<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

વોન્‍ટેડ બુટલેગર અને દારૂ સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્‍સ્‍ટે. નીતા ચૌધરીના જામીન રદ્દ

નીચલી કોર્ટના હુકમ સામે પોલીસે સેશન્‍સ કોર્ટમાં માંગી હતી દાદ, પુત્ર પતિ સાથે રહે છે, પોતે પોલીસ કર્મી હોવા છતાંયે પોલીસ ટીમની હત્‍યાનો પ્રયાસ કરનાર બુટલેગરને વાળવાનો પ્રયાસ કરવાને બદલે ઉશ્‍કેર્યો

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦ :  એક પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકેની સામાન્‍ય નોકરી હોવા છતાંયે ગ્‍લેમરસ મોડેલ જેવી હાઈફાઈ લાઈફ સ્‍ટાઈલ સાથે ભડકિલી સોશ્‍યલ મીડિયા પોસ્‍ટ બાદ નીતા ચૌધરી વોન્‍ટેડ બુટલેગર સાથે ઝડપાઈ જતાં લોકોમાં ચકચાર સાથે ચર્ચા થઈ રહી છે. સીઆઈડી ક્રાઈમ જેવી મહત્‍વની શાખામાં ફરજ બજાવનાર નીતા ચૌધરી સામે ફરિયાદ દાખલ કરવાથી માંડીને તેને સસ્‍પેન્‍ડ કરવા સુધીની કાર્યવાહીમાં પોલીસ ગડમથલ માં રહી હતી. ૨૧ ગુનાનો ક્રિમીનલ રેકર્ડ તેમ જ ૬ ગુનામાં વોન્‍ટેડ એવા ગુનેગાર યુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા સાથે થાર જીપમાં દારૂ સાથે ઝડપાયેલ લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરીએ પોલીસ ટીમને કચડી મારી નાખવાનો પ્રયાસ કર્યા બદલ હત્‍યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.

આ કેસમાં ભચાઉ ની નીચલી કોર્ટ દ્વારા મહિલા તેમ જ એક સંતાનની માતા હોઈ નીતા ચૌધરીને જામીન મળ્‍યા હતા. પોલીસે આ મુદ્દે ભચાઉની સેશન્‍સ કોર્ટમાં જામીન રદ્દ કરવા અપીલ કરી હતી. જેમાં ભચાઉ સેશન્‍સ કોર્ટે પોલીસ ઉપર ગાડી ચડાવી મારી નાખવાના પ્રયાસને ગંભીર તેમ જ સમાજ માટે લાલબત્તી ગણાવી, પોલીસ દળ ની નૈતિકતા તોડતી ઘટના ગણાવી હતી. પરિણીત નીતા ચૌધરીનો પુત્ર તેના પતિ સાથે બનાસકાંઠા માં રહે છે એવી દલીલ પણ કરાઈ હતી.

એક પોલીસ કર્મી તરીકે પોલીસ ટીમની હત્‍યાના પ્રયાસને રોકવાના બદલે નીતા ચૌધરીનું કળત્‍ય આરોપીને ઉશ્‍કેરણી કરાવતું હતું. આ તમામ મુદ્દાઓ ની દલીલો ને અંતે સેશન્‍સ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન રદ્દ કરાયા હતા. કેસમાં સરકાર તરફે એજીપી ધર્મેન્‍દ્રસિંહ એસ. જાડેજા જ્‍યારે ફરિયાદી તરફે હીતેન્‍દ્રસિંહ બી. વાઘેલા એ દલીલો કરી હતી.

(12:47 PM IST)