News of Wednesday, 10th July 2024
વિજળી વિશે અવનવું : એફિલ ટાવર ઉપર વિજળી ત્રાટકેલઃ આખી ફૂટબોલ ટીમનો ભોગ લીધેલ
દર સેકન્ડે ૪૦ વખત વીજળી પડે છે પરંતુ મોટાભાગની વીજળી વાદળમાં જ સમાય જાય છેઃ અમુક જ વીજળી ધરતી ઉપર પડે છે અને જાનહાની તથા માલ મિલકતને નુકસાન કરે છે

ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે વીજળી પડવાના અને માલ-ઢોરની કે માણસોની જાનહાની થવાના સમાચારો જોવા મળે.વર્ષો પહેલાં ગંગાસતીએ વીજળીનો સંદર્ભ લઈને લખેલું કે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ... જેટલું ગહન ગંગાસતીનું આ જ્ઞાન છે એટલો જ ગહન વીજળીનો આધુનિક અભ્યાસ પણ છે.
આકાશી વીજળીના અભ્યાસ અથવા વિજ્ઞાનને Fulminology કહે છે.આ વિજ્ઞાન મુજબ વીજળીની કેટલીક વિશિષ્ટતાઓ વિશે જાણીએ.
વીજળી લગભગ ત્રણ- ચાર કિ.મી. લાંબી અને ૨ થી ૩ ઇંચ પહોળી હોય છે. જેનું ઉષ્ણતામાન લગભગ ૫૦,૦૦૦ ડિગ્રી ફેરનહીટ હોય છે એટલે કે, સૂર્ય કરતાં પાંચ ગણી વધુ ગરમી! ઉપરાંત ૧૦,૦૦૦ amps અને ૧૦૦ મિલિયન વોલ્ટ ની વિદ્યુત ઉર્જાનું તે વહન કરે છે
સામાન્ય રીતે વીજળી એકાદ સેકન્ડ કરતાં પણ ઓછા સમય સુધી ચાલે છે.
દર સેકન્ડે લગભગ ૪૦ વાર વીજળી પડે છે, મતલબ દિવસમાં લગભગ ૩૦ લાખ વખત- પણ આમાંની મોટાભાગની વાદળોમાં જ સમાઈ જાય છે.
વર્ષ ૧૯૦૨માં વીજળી પડવાથી એફિલ ટાવરના ઉપરના થોડા ભાગને નુકશાન થયું હતું, જેની પછીથી મરામત કરાઈ હતી.
સન ૧૯૯૮માં આફ્રિકાના કોંગોમાં ફૂટબોલ મેચ દરમિયાન અચાનક વીજળી પડવાથી ૧૧ ખેલાડીઓના મળત્યુ થયાં હતાં.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વર્ષે લગભગ ૩૦૦ વાર વીજળી પડે છે.
આપણને જે દેખાય છે તે પડતી નહીં, પરંતુ પડીને પાછી ઉપર જતી વીજળી હોય છે. તેની પડવા અને પાછી ફરવાની આખી ઘટના ૨ માઈક્રો સેકન્ડમાં પૂરી થઈ જાય છે.
વીજળી કયારેય એક જ જગ્યાએ બે વાર પડતી નથીૅ એ માન્યતા ખોટી છે. એક જ જગ્યાએ તે ગમે તેટલી વખત પ્રહાર કરી શકે છે. દાખલા તરીકે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર દર વર્ષે સરેરાશ ૨૩ વખત ત્રાટકે છે.
રેડ સ્પ્રાઈટ્સઃ આનો ઉદ્ભવ તોફાનના વાદળની ઉપર થાય છે. તે જમીન તરફ નહીં પરંતુ ઉપર તરફ જાય છે અને તેનો રંગ લાલ હોય છે. સામાન્ય વીજળી કરતાં તેની ઉષ્મા ઓછી હોય છે. ગર્જના અને વીજળીના ભયને એસ્ટ્રાફોબિયા Astraphobia કહે છે તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે, પરંતુ ઘણા મોટી ઉંમરના લોકો પણ વાવાઝોડા અને વિજળીના ભયથી પીડાય છે. એસ્ટ્રાફોબિયા એ સૌથી સામાન્ય ફોબિયાઓમાંનો એક છે. ટોક થેરાપી અથવા દવા જેવી સારવાર તેનાથી મુક્ત થવામાં મદદ કરી શકે છે. (સંકલનઃ મુકુંદ બદિયાણી જામનગર)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
