News of Thursday, 11th July 2024
ગોંડલમાં મધરાતે ઘરમાં ઘુસી નિંદ્રાધીન ભંગારના ધંધાર્થી અજયને છરીના ઘા ઝીંકી દેવાયાઃ ગંભીર
રાતે અઢી વાગ્યે બે અજાણ્યા શખ્સો અકળ કારણે હુમલો કરી ભાગી ગયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૧: ગોંડલમાં રહેતાં યુવાન પર મધરાતે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી નિદ્રાધીન હાલતમાં છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ભંગારનો ધંધો કરતાં આ યુવાન પર કોણે અને શા માટે હુમલો કર્યો? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં નદી વિસ્તારમાં સરકારી દવાખાનાની સામેના ભાગે રહેતાં અજય જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.૩૫) પર મધરાતે છરીથી હુમલો થતાં દેકારો મચી ગયો હતો. અજય ઘરમાં સુતો હતો ત્યારે નિંદ્રાધીન હાલતમાં જ તેના પર છરીના ઘા થયા હતાં. ચીસાચીસ થઇ જતાં બીજા લોકો જાગી જતાં બે હુમલાખોર ભાગી ગયા હતાં. અજયને ગંભીર હાલતમાં ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ગોંડલ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
અજય ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. તે ત્રણ બહેન અને છ ભાઇમાં મોટો છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હુમલો કોણે અને શા માટે કર્યો? તે અંગે તેના કુટુંબીજનો જાણતા ન હોઇ અજય ભાનમાં આવ્યે પોલીસ નિવેદન નોંધશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
