News of Thursday, 11th July 2024
જામનગરના પરિવારનાં સામુહિક આપઘાતમાં સ્યુસાઇડ નોટ-કોલ ડીટેઇલના આધારે તપાસ
મૃતક આહિર પરિવારજનો મુળ મોડપરના હાલ જામનગર રહેતા'તાઃ જામનગરમાં પોસ્ટમોર્ટમઃ ૪ના મૃત્યુથી પરિવારમાં અરેરાટી

જામનગર- ખંભાળીયાઃ જામનગરના એક જ પરિવારના ૪ લોકોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ ખાતે ફાટક નજીક ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો હોવાનો બનાવ બુધવારના રોજ બન્યો હતો. જામનગરનાં એક જ પરિવારના ૪ વ્યક્તિઓના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. તસ્વીરમાં મૃતદેહો, મૃતકોના ફાઇલ ફોટા તથા પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડાયા તે નજરે પડે છે.(તસ્વીરઃ મુકુંદ બદિયાણી, કિંજલ કારસીયા(જામનગર), કોૈશલ સવજાણી (ખંભાળીયા)(૨.૧૨)
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૧: જામનરગમાં રહેતા મુળ મોડપરના અશોકભાઇ જેઠાભાઇ ધુંવા, લીલુબેન અશોકભાઇ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઇ ધુંવા, અને કિંજલ અશોકભાઇ ધુંવાએ સામુહિક આપઘાત કરી લેતા કારણ જાણવા માટે સ્યુસાઇડ નોટ અને કોલ ડિટેઇલના આધારે પોલીસે તપાસ હાથધરી છે.
ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામેથી બુધવારે જામનગર રહેતા એક જ પરિવારના દંપતિ સહીત ચાર પરિવારજનોના નિષ્પ્રાણ દેહ સાંપડ્યા હતા. જામનગરથી સ્કૂટર પર ભાણવડ આવેલા દંપતિ તેમજ તેમના પુત્ર અને પુત્રીએ ધારાગઢ ગામે અવાવરું જગ્યામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો આ બનાવ સામે આવ્યો છે.
ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામના ફાટક પાસેની એક અવાવરૂ સ્થળે ચાર વ્યક્તિઓના મળતદેહ પડ્યા હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે તપાસે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેની પ્રાથમિક તપાસમાં જામનગરમાં માધવબાગ - ૧ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૨૦) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૧૮) નામના ચાર પરિવારજનોએ ધારાગઢ વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. પરિવારના મોભી મળતક અશોકભાઈ બ્રાસપાટની ભઠ્ઠીના વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલબેન અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે અશોકભાઈ, તેમના પત્ની લીલુબેન તથા પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલ બાઈક અને સ્કૂટર મારફતે ભાણવડ પંથકમાં આવ્યા હતા અને જંતુનાશક જલદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ મળતકના સંબંધી વેણુભાઈ જેઠાભાઈ ઘુવા (ઉ.વ. ૪૧, રહે. કનસુમરા પાટીયા, જામનગર) એ ભાણવડ પોલીસને કરી છે. આપઘાત કરનારા ઉપરોક્ત આહીર પરિવારજનો મૂળ મોડપર ગામના વતની હોવાનું અને હાલ તેઓ જામનગર ખાતે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મળતદેહનો કબજો મેળવી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
જામનગરના વેપારી અને સંપન્ન મનાતા આહીર પરિવારના દંપતિ તેમજ પુત્ર-પુત્રી સહિત ચાર સભ્યોએ પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લઈને કરી લીધેલા આપઘાત સંદર્ભે ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા મોબાઈલ ડિટેઈલ વિગેરે મારફતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે એક જ પરિવારના ચાર સદસ્યોના સામુહિક આપઘાતના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
