<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ધારી, લાઠી, અને જાફરાબાદમાં મુશળધાર વરસાદથી ખેતીને જીવનદાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧રઃ અમરેલી જિલ્લામાં ગીર પંથક સહિત અનેક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.છેલ્લા બે દિવસથી બીજી ઇનીંગમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે અને સારો એવો વરસાદ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.

ખાંભા શહેર અને આસપાસના નાનુડી, દીવાનના સરાકડીયા, ચતુરી,પીપળવા સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબકયો હતો.તો વરસાદને કારણે ખાંભા શહેરના લીમડી પરા, મિતિયાળા રોડ, અને આશ્રમપરા  વિસ્‍તારોમાં ભારે વરસાદને લઈને નદી જેવો દ્રશ્‍ય જોવા મળ્‍યા હતા.તો વાવણી બાદ બીજા રાઉન્‍ડમાં આવેલા વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને જીવતદાન મળ્‍યું છે. આ વરસાદથી ખેતીની સ્‍થિતિમાં સુધારો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો.ધારી શહેર અને તેના આસપાસના વિસ્‍તારમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

લાઠી પંથકમાં પણ મેઘરાજાની કળપા થઈ હતી.લાઠી શહેરમાં ધોધમાર વરસાદ પડી ગયો,  જેનાથી ખેડૂતોમાં નવોદિત આશા જાગી છે. બે દિવસ અગાઉ ચાર ઇંચ વરસાદ પડ્‍યા બાદ ફરી વરસાદ થતા ખેડૂતોએ રાહત અનુભવ્‍યું છે.

રાજુલાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં, જેમાં ડુંગર, કુંભારીયા, દેવકા, માંડરડી, આગરીયા અને વાવેરા ગામોનો સમાવેશ થાય છે, ભારે વરસાદના કારણે વાવણી બાદ પાકોને જીવનદાન મળ્‍યું હતું.

જાફરાબાદ શહેર અને તેની આસપાસના વિસ્‍તારોમાં, જેમ કે મિતીયાળા, વાપાલિયા, વઢેરા, બાબરકોટ, અને લુણસાપુરમાં પણ વરસાદી ઝાપટાઓ અને ઘીમીઘારે વરસાદની શરૂઆત થઈ છે. કોસ્‍ટલ બેલ્‍ટના ખેડૂતો માટે આ વરસાદ મહેરબાની સાબિત થઈ છે, અને સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે.

અમરેલી જિલ્લાના તમામ ભાગોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગીર પંથકથી લઈને કોસ્‍ટલ બેલ્‍ટ સુધી, આ વરસાદને કારણે ખેતીમાં સુધારો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્‍યાપી છે.

(1:19 PM IST)