<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

કોડીનાર વિસ્‍તારમાં બુલડોઝર ફર્યું: બે કરોડની જમીન ખુલ્લી કરાઇ

કોડીનાર તા.૧૨: કોડીનાર જિલ્લા કલેકટરની વિઝિટ બાદ તંત્રનું બુલડોઝર ફરી વળ્‍યું છે. શહેરના મુખ્‍ય રસ્‍તાઓ અને તાલુકા દેવળી અને વેલણ સહિતના ગામોની ગૌચરની જમીન પર દબાણો હટાવી અંદાજિત ૨.૪ કરોડની ૩૦૦૦ ચો.મી જગ્‍યા ખુલ્લી કરાવાઈ છે.

કોડીનાર શહેરમાં પ્રાંત અધિકારી, ઉનાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોડીનાર, નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (રાજય), ચીફ ઓફિસર નગરપાલિકા કોડીનાર તથા નગરપાલિકા કોડીનારનો દબાણ શાખાના કર્મચારીઓ તેમજ પી.જી.વી.સી.એલ.નો સ્‍ટાફ, જે.સી.બી., ટ્રેકટર જેવા સાધનો સાથે ટીમ બનાવી છારા ઝાપાથી માર્કેટીંગ યાર્ડ, એસ.ટી. ડેપો રોડ, પણાંદર રોડ, અંજટા સિનેમા રોડ, સરકારી દવાખાનાથી પાણી ઝાપા અને પાણી દરવાજાથી મામલતદાર કચેરી સુધીના રસ્‍તા સુધીમાં દુકાનો રસ્‍તા પરના આવેલ દબાણો જેવા કે છાપરા, ઓટાઓ, પગથીઓ, બોર્ડ, બેનર, હોર્ડીસ, પતરાનો શેડ જેવી અંદાજે ૩૫૦ થી ૪૦૦ દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરી અંદાજીત બજાર કિંમત રૂા.૨.૪ કરોડ ની આશરે ૩૦૦૦ ચો.મી.જેટલી જગ્‍યા ખુલ્લી કરી છે જ્‍યારે નેશનલ હાઈવેથી દેવળી ગામ તરફ જતાં ગંગાજળી હારણની નળ આશરે ૧૦૦ મીટર દબાણવાળી જગ્‍યા અદાજીત કિંમત રૂા.૩ લાખ જેટલી જમીન ખુલ્લી તેમજ દેવળી ગામમા પાણીનો ટાંકો બનાવવા માટે આશરે ૨૦૦ ચો.મી.જેટલી જમીન નકકી થયેલ.તેની ઉપર દબાણ થયેલ હોય તે પણ દબાણ ખુલ્લુ કરાવેલ છે.જેની બજાર કિંમત અંદાજીત ૧૫ લાખ રૂપિયા જેવી થાય છે.

જ્‍યારે વેલણ ગામે ૧૦ વિધા જેના હે.૨- ૫૦-૦૦ ચો.મી. બજાર કિંમત અંદાજીત રૂા. ૧ એક કરોડ ની કિંમત ની જગ્‍યા નું ગૌચરમાં થયેલ દબાણ ખુલ્લુ કર્યું સાથોસાથ દેવળી ગામે ગંગાજળી નળ તરીકે ઓળખાતા સીમ રસ્‍તા ખેડુતોના અવર જવર તેમજ ગાડા ટ્રેક્‍ટર જેવા વાહનો લઈ જવા માટે ઉપયોગમા લેતા હોય છે.આ રસ્‍તા પૈકીના દબાણો અંદાજીત કિંમત ૧૮ લાખ ની ૩૦૦ ચો.મી.જેટલી જમીન ના દબાણ ખુલ્લા કરાવેલ છે. જ્‍યારે પાણી દરવાજાથી એસ.ટી. ડેપો રોડ વચ્‍ચે રસ્‍તામાં અડચણ રૂપ થાય તે રીતે ધંધા વેપાર કરતા ચા ની લારીઓ, શાકભાજી અને ફુટની લારીઓ જેવી અંદાજે ૧૫૦ જેટલી લારીઓ ખસેડીને નગરપાલિકા ધ્‍વારા શિંગોડા નદીના પટમાં બનાવેલ વોર્કસ જોનમાં ઉભા રહેવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. તો બીજી તરફ કલેકટરની અપીલના અનુસંધાને આશરે ૧૦૦ જેટલા દુકાનદારોએ જાહેર જનતાને અડચણરૂપ થાય તેવા દબાણો જાતે ખસેડી લેતા વહીવટીતંત્ર અંગેની કામગીરીને સામાન્‍ય નાગરીકો તેમજ શહેરના આગેવાનો નાગરીકોએ બિરદાવી હતી હાલ શહેરમાં જાહેર રસ્‍તા પરના લોકોને નડતર રૂપ દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રના આ કામગીરીથી શહેરની ટ્રાફિક સમસ્‍યા તો ચોક્કસ દૂર થશે પણ તંત્રની કામગીરીથી કયાંક ને કયાંક નાના ધંધાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે સાથો સાથ લોકોમાં થી એક જ સૂર સાંભળવા મળ્‍યો કે આ કામગીરી કોડીનાર શહેર ના તમામ ભાગોમાં થવી જોઈએ માત્ર અમુક વિસ્‍તારમાં કામગીરી કરી અને તંત્રએ સંતોષ ન માનવો જોઈએ તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્‍યારે હવે તંત્રની કામગીરી ઉપર લોકોની મિટ મંડાઈ છે.

(11:52 AM IST)