<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જામનગરના સામુહિક આપઘાતમાં શૈલેન્‍દ્રસિંહ અને જયદિપસિંહ ઝાલાની ધરપકડ

મુખ્‍ય આરોપીઓની મદદગારી કરનાર ઢીંચડા અને જામનગરના શખ્‍સ સામે કાર્યવાહીઃ ગઇકાલે ઝડપાયેલા બન્ને શખ્‍સો ૩ દિવસના રિમાન્‍ડ ઉપર

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળીયા તા. ૧૩ :..  જામનગરમાં માધવબાગ ખાતે રહેતા વેપારી યુવાન અશોકભાઈ જેઠાભાઈ ધુંવા, તેમના ધર્મ પત્‍ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ અને પુત્રી કિંજલબેન નામના ચાર પરિવારજનોએ બુધવારે ભાણવડ નજીકના ધારાગઢ વિસ્‍તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

આ પ્રકરણમાં તેમની પાછળ કરવામાં આવતી પઠાણી ઉઘરાણી તેમજ આર્થિક સંકડામણ સંદર્ભેની મળતકના નાનાભાઈની પોલીસ ફરિયાદ બાદ આરોપી એવા જામનગરના રહીશ વિશાલસિંહ ફતુભા જાડેજા અને વિશાલ પરસોતમભાઈ પ્રાગડાને તપાસનીસ અધિકારી પી.આઈ. પી.પી. બ્રહ્મ ભટ્ટ દ્વારા ઝડપી લઇ, ગઈકાલે આ બંનેને અદાલતમાં રજૂ કરી, રિમાન્‍ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલત દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા હતા.

આ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસમાં મુખ્‍ય સૂત્રધાર વિશાલસિંહ જાડેજા સાથે મદદગારીમાં હોવાથી જામનગર તાબેના ઢીચણા વિસ્‍તારમાં રહેતા શૈલેન્‍દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદીપસિંહ કનકસિંહ જાડેજાની સંડોવણી પણ ખુલતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.

અત્‍યંત ચકચારી અને સમાજ માટે લાલબત્તીરૂપ આ કિસ્‍સા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એસ.આઈ.ટી.ની પણ રચના કરવામાં આવી હતી.

આ કામગીરીમાં રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, તથા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેચાની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગના હાર્દિક પ્રજાપતિ ભાણવડ પો. સબ. ઇ. એમ. આર. સવસેટા તથા સે. પો. સબ. ઇ. એન. એન. વાળા અને ટીમે કરી હતી.

(10:06 AM IST)