<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જામનગરના કલ્‍યાણપુરમાં ૧.૪૦ લાખ સામે ૧૦.૨૫ લાખ વસુલ્‍યા છતા ધમકી

ખેડૂત ૩ ટકા લેખે વ્‍યાજ આપીને ચુકવી દીધા છતાં ઇશાક તારમામદ સંધી દ્વારા પઠાણી ઉઘરાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: જામજોધપુર તાલુકાના કલ્‍યાણપુર ગામે રહેતા આશિષભાઈ વલ્લભભાઈ વરસાણી ઉ.વ. ૩૭ એ શેઠવડાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા તેના પિતાને સને ર૦૦૮ ના એપ્રીલ માસથી અવાર-નવાર સામાજિક તથા ખેતીવાડી કારણોસર નાણાકીય જરૂરિયાત ઉભી થતા આ કામેના આરોપી ઈશાકભાઈ તારમામદ સંધી રહે. સખપરવાળાએ પોતાની પાસે કોઈપણ જાતના નાણા ધિરધારના લાયસન્‍સ વગર રૂા.૧.૪૦ લાખ માસીક ૩ ટકા લેખે વ્‍યાજે આપી ફરીયાદીના પિતાની કલ્‍યાણપુરની જમીનનો દસ્‍તાવેજ કરાવી તેમજ નાણા પરત આપ્‍યે આ જમીનનો દસ્‍તાવેજ કરી આપી  તે વચન  અને વિશ્‍વાસ આપી આ જમીન ઉપર એસ.બી.આઈ. ધ્રાફાની શાખામાંથી લોન મેળવી અને આ લોન ચાલુ હોવા છતા ફરીયાદીના પિતાના નામે ઉપરોકત જમીનનો દસ્‍તાવેજ કરી નો ડયુ  સર્ટી નહી આપી જમીન રેવન્‍યુ  રેકર્ડ નહી ચડવા દઈ તેમજ આ જમીનમાં પોતાના પરિવારના સભ્‍યોના નામ વારસદાર તરીકે ચડાવી ફરીયાદીના પિતાને ઉંચા વ્‍યાજે આપેલ રૂા. ૧.૪૦ લાખની વ્‍યાજ સહિત રૂા. ૧૦.રપ લાખ વસુલી લઈ આ ઉપરાંત ના રૂા. ૧૬ની માંગણી કરી ધાક-ધમકી આપી ગુન્‍હો કરેલ છે.

કેફી પીણાની ૧૬૦ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ મથકના એમ.આર.પરમારે તા. ૧ર ના રોજ ૩૪ દિગ્‍વિજય પ્‍લોટમાં આવેલ ઓમકાર સેલ્‍સ નામના ગોડાઉનમાંથી આ કામેના આરોપી ચંદ્રેશ રમેશભાઈ નંદા એ કેફી પીણુ ૧૬૦ બોટલ વેચાણ અર્થે ગોડાઉનમાં રાખી ગુન્‍હો કરેલ છે.

કેફી પીણાની રર બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ મથકના એમ.આર.પરમારે તા. ૧ર ના રોજ તળાવની પાળે આવેલ શ્રી રામ પાની દુકાનમાંથી આ કામેના આરોપી જીતેન્‍દ્ર રતીભાઈ ગંઢાએ રર બોટલ વેચાણ અર્થે રાખી ગુન્‍હો કરેલ છે.

દોઢીયા ગામે વિજળી પડતા ઘાયલ યુવતિનું મૃત્‍યું

જામનગર તાલુકાના દોઢીયા ગામે રહેતા રામભાઈ રાજાભાઈ પીંગળએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૯ ના રોજ આ કામે મરણ જનાર નીમીશાબેન રામભાઈ પિંગળ ઉ.વ. ૩૦વાળી દોઢીયા ગામે વાડીમાં કામ કરતા હોય તે દરમ્‍યાન વરસાદી માહોલ થતા નીમીશાબેન પર વીજળી પડતા હોસ્‍પિટલે લઈ જતાં સારવાર બાદ તેણીનું મૃત્‍યુ નિપજેલ છે.

(10:06 AM IST)