<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વિસાવદર પંથકનુ ઋણ અદા કરવા પદ્ ત્યાગ : ડો.રાકેશકુમાર સિંહા(બિહારી)એ તગડી રકમના પગાર સાથેની કલાસ-વન અધિકારીની સરકારી નોકરી છોડી લોકસેવાના ધ્યેય સાથે ધનવંતરી ક્લિનિકનો શુભારંભ કર્યો

૨૫ વર્ષથી વિસાવદર સાથેનો આત્મિયતાનો નાતો : "બિહારી "ના ઉપનામથી જાણીતા ડો.રાકેશકુમાર સિંહાના ધર્મપત્નિ ડો.પુજાબેન સિંહા તાલુકા હેલ્થ ઓફિસર : સુપુત્ર ચિ.અમૃત સિંહા મેડીકલ સ્ટુડન્ટ : સમગ્ર પરિવારને વિસાવદર પંથક પ્રત્યે અનેરો લગાવ : સમગ્ર પંથકને સારા-અનુભવી એમ.એસ.સર્જન ડોક્ટરની સેવાઓ પ્રાપ્ય : તાલુકાભરમાંથી ડોક્ટરને આવકારવા સંતો-મહંતો-સમાજશ્રેષ્ઠીઓ-પ્રજાજનો ઉમટી પડયા

 

 

 

 

 

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૫ : વિસાવદર પંથકના લોકોનુ ઋણ અદા કરવા એમ.એસ.સર્જન ડો.રાકેશકુમાર સિંહા (બિહારી)એ તગડી રકમના પગાર સાથેની સરકારી કલાસ-વન અધિકારી તરીકેની નોકરી છોડી માત્ર લોકસેવાના ધ્યેય સાથે ધનવંતરી ક્લિનિકનો રવિવારથી શુભારંભ કર્યો જે ઉદાહરણરૂપ ઘટનાની સાર્વત્રિક પ્રસંસા થઈ રહી છે.

ડો.રાકેશકુમાર સિંહાના છેલ્લા અઢી દાયકાના કાર્યકાળ પર દ્રષ્ટીપાત કરીએ તો એક સરળ-નિખાલસ અને માત્રને માત્ર સેવાના ધ્યેયને અગ્રીમતા આપતુ નિરાળુ વ્યક્તિત્વ..સૌપ્રથમ વખત ડો.રાકેશકુમાર સિંહાનુ સને-૨૦૦૦માં વિસાવદરમાં આગમન થયુ વિસાવદર સરકારી હોસ્પિટલના કલાસ-વન અધિક્ષક તરીકે...મુળ બિહારના એટલે ડો.રાકેશકુમાર સિંહા નામ બાજુ પર રહ્યુ અને "ડો.બિહારી " તરીકે નામ પ્રચલિત થયુ...અને ડો.બિહારીએ પણ દિ' રાત જોયા વગર દર્દીઓની સેવાઓને પરમોધર્મ બનાવ્યો...સતત દવાખાનામાં હાજર..લેશમાત્ર ગુમાન કે, મીજાજ વગર ગરીબ દર્દીઓ સાથે એટલી બધી આત્મિયતા કેળવી..સેવાઓ કરી કે, બિહારી સાહેબ એટલે "ગરીબોનો બેલી" આવુ સૌના મુખે બોલાતુ-સંભળાતુ થયુ...અનુભવી એમ.એસ.ડોક્ટર બિહાર સાહેબની સારવાર સૌને કારગત નિવડવા લાગી..તેઓ પણ સૌની તાસીર પારખી ગયા..અને દિન-પ્રતિદિન યશના અધિકારી બનતા રહ્યા..સને-૨૦૦૦થી ૨૦૧૨ સુધી સતત ૧૨ વર્ષ વિસાવદર સરકારી હોસ્પિટલમાં રહ્યા..સને-૨૦૧૨માં વિસાવદરથી મેંદરડા સરકારી હોસ્પિટલમાં બદલી થઈ તો વિસાવદર પંથકના દર્દીઓ મેંદરડા પહોંચતા..મેંદરડા સને૨૦૨૩ સુધી ૧૨ વર્ષ રહ્યા પણ જીવ વિસાવદર સાથે જોડાયેલો રહ્યો..સને-૨૦૨૩માં મેંદરડાથી જશદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી થઈ...ખૂબ જ સારો પગાર, સૌનો સહયોગ પણ ડો.બિહારીએ પોતાના ધર્મપત્નિ ડો.પુજાબેન સિંહા તથા પુત્ર અમૃત સિંહાને સાથે બેસાડી કહ્યુ "છેલ્લા પચ્ચીસ વર્ષથી નોકરી કરીએ છીએ..સારો પગાર છે,નોકરીથી સંતોષ છે, પણ આપણને વિસાવદર પંથકે ખૂબ આપ્યુ છે...આ પંથકની પ્રજાની આત્મિયતા અને લાગણી સામે પૈસાની કોઈ કિંમત નથી...મારો જીવ વિસાવદર સાથે જોડાયેલ છે..હું નોકરી છોડી સેવાના ધ્યેય સાથે વિસાવદરમાં ક્લિનિક શરૂ કરી દર્દીઓની સેવા કરવા માંગુ છુ..." આ લાગણીસભર ઉદગાર સાંભળી માતા-પુત્રએ એક સેકન્ડનો પણ વિલંબ કે, તર્કવિતર્ક કર્યા વીના તેમના સૂરમાં સૂર પૂરાવ્યો..અને ડો.સિંહાએ માતબર પગાર સાથેની કલાસ-વન અધિક્ષક તરીકેની સરકારી નોકરી છોડી વિસાવદર સ્થિત ક્લિનિક શરૂ કરી..આમ એક પરપ્રાંતના વ્યક્તિનો એક ગામ પ્રત્યેનો લગાવ ઉદાહરણરૂપ ઘટના છે.

વિસાવદર પંથક સાથે ડો.બિહારી સાહેબનો આત્મિયતાનો નાતો છે. "ડો.બિહારી"ના ઉપનામથી જાણીતા ડો.રાકેશકુમાર સિંહાના ધર્મપત્નિ ડો.પુજાબેન સિંહા ગવર્નમેન્ટ તાલુકા હેલ્થ ઓફિસર છે. એકના એક લાડકવાયા સુપુત્ર ચિ.અમૃત સિંહા મેડીકલ સ્ટુડન્ટ છે અને એમબીબીએસના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરે છે. સમગ્ર 'સિંહા પરિવાર'ને વિસાવદર પંથક પ્રત્યે અનેરો લગાવ છે. ડો.રાકેશકુમાર સિંહાએ ક્લિનિકનો શુભારંભ કરતા સમગ્ર પંથકને સારા-અનુભવી એમ.એસ.સર્જન ડોક્ટરની સેવાઓ પ્રાપ્ય થઈ છે. જેથી શુભારંભ સમયે જ સતાધાર મહંત પૂ.વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ, ખાખીમઢીના મહંત પૂ.સુખરામદાસબાપુ, મેડિકલ એસોસિએશનના ડો.ડી.પી.ચિખલિયા, પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સહિત વિવિધક્ષેત્રના સમાજશ્રેષ્ઠીઓ અને લોક સમુદાય સ્વયંભૂ ઉમટી પડ્યો હતો અને સેવાભાવી તબીબને આવકાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ક્લિનિકમાં ઈમરજન્સી સેવાઓ ચોવીસે કલાક ચાલુ રહેશે. દર્દીઓ ડો.રાકેશકુમાર સિંહા, "ધનવંતરી ક્લિનિક" (ડો.બિહારી સાહેબનું દવાખાનું), જકાત નાકા વાળી શેરી, જુનાગઢ રોડ, વિસાવદર (મો.૯૬૮૭૬૪૨૨૨૬) સંપર્ક સાધી શકે છે. ક્લિનિકમાં ઓપીડી-ઈન્ડોર-આઉટડોર દર્દીઓ માટેની વ્યવસ્થા તથા જરૂરી તપાસ-મેડિકલ સુવિધાઓથી સૂસજ્જ કરાઈ છે.

અત્રે નોંધનીય છે કે, ડો.રાકેશકુમાર સિંહાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ ડેપ્યુટેશન પર સેવાઓ આપી અનેકવિધ જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડી દર્દીઓને પીડા મુક્ત કર્યા છે ત્યારે એક જાણીતા અને સૌના માનીતા અનુભવી સર્જનની સેવાઓ વિસાવદર પંથકને ઉપલબ્ધ થઈ રહી છે.

(9:30 AM IST)