<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

કોડીનારના ઘાંટવડ ગામમાં જંગલી જાનવરોનો ત્રાસઃ ૨૦ વીઘા શેરડીના ઉભા પાકને ભૂંડે ધમરોળી નાખ્‍યું: ખેડૂતો પાયમાલ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૧૫: ઘાંટવડ ગામ માં જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોઝ તથા એકલ નો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ચોમાસું સીઝન તેમજ રવિ સીઝનમાં ખેડૂતોએ તનતોડ મહેનત કરી વાવેલા મહામૂલી પાકને રોઝ, એકલ અને ભૂંડ સફાચટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રીના ઉજાગરા કરવા મજબુર બન્‍યાં છે જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમમાં રોઝ નીલગાય ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતો ને આજુ બાજુ વિસ્‍તાર માં ૫૦ વીઘાથી વધારે જમીનમાં શેરડી નું વાવેતર કરવાનું ટાળી રહ્યાં છે ધરતી પુત્રો જંગલી રોઝ અને ભૂંડથી પોતાના પાકને બચાવા ખેતર વચ્‍ચે ચાલુ વરસાદે રાત્રી રોકાણ કરી પાકનુ રક્ષણ કરી રહ્યાં છે. ઉભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતાં હોવાથી ધરતી પુત્રોને ખેતરોમા ૨૪ કલાક રોકાવાની ફરજ પડી રહી છે

સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી ઘાંટવડ ગામનાં ખેડૂત મામંદભાઈ આદમભાઈ સેલોતે એ જણાવ્‍યું હતુ કે ખેડૂતો પાક વાવે તો ભૂંડ અને એકલ પાકને ખોદી નાખે છે અને જો પાક થોડો મોટો થાય તો રોઝ પાકને ખાઈ જાય છે. ત્‍યારે આ જંગલી જાનવરોના કારણે અમે ૫૦ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરતા નથી સરકાર ૫ વીઘાની અંદર તારની સહાય આપે તેવી લાગણી સાથે અમે માંગ કરી રહ્યા છીએ. તેમજ આ રોઝ ઘણીવાર ખેતરોમાંથી હાઈવે પર દોડતા હોય ત્‍યારે અકસ્‍માત થવાની પણ શકયતા રહેલી છે તેમજ ખેતરની આજુબાજુ ૨૦ વીઘાની શેરડી ને ઢાળી દેતા નુકસાન થયું છે જંગલી જાનવર ને અહીંયા થી જંગલ બાજુ ખસેડવા નહિતર ખેડૂતો ને મરવા નો વારો આવશે આજે પાક ને નુકસાન કરવામાં આવે છે તો કાલે કોઈ ખેડૂતનો જીવ પણ લઈ શકે છે થોડાં સમય પહેલાં ઘાંટવડ માં એક ખેડુત ઉપર ભૂડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો તો પણ તંત્ર નાં પેટ માં પાણી હલતું નથી આ નુકશાની અમે જે વેઠી રહ્યા છીએ તે સરકાર નજર અંદાજ નાં કરે અને વહેલી તકે આંનો ઉપાય લાવે તેવુ જણાવાયું હતું.

(10:27 AM IST)