News of Monday, 15th July 2024
સુરેન્દ્રનગરના છડીયાળી ગામે નકલી ખાતર ધાબડી દેતા પાક બળી ગયોઃ વેપારી ભુગર્ભમાં ઉતરી ગયો?

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૫: નર્મદા એગ્રો ઈન્ડસ્ટ્રીઝના નામે ઓર્ગેનિક ખાતરના ઓથા હેઠળ ખેડૂતોએ ખરીદેલુ ખાતર કપાસ, જુવાર સહિતના વાવેતરમાં છોડ વૃધ્ધી માટે છંટકાવ કરતા જ તમામ ઉગેલા છોડ બળી જવા પામતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે. ગામના ત્રીસથી પાંત્રીસ ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખાતરનો વેપારી લાખોનો ચુનો ચોપડી ભુગર્ભમાં ઉતરી ગયો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.ᅠ
ખેડૂતોએ કથીત નકલી ખાતરનો ઉપયોગ કરતા ઉગેલો પાક બળી જતા તેને કાઢી નવેસરથી વાવેતર કરવા છતા કંઈના ઉગતા હવે શું કરીશુંની પરિસ્થિતિ છડીયાળી ગામના ખેડૂતોમાં છવાઈ જવા પામી છે. ભોગ બનનાર ખેડૂતો દ્વારા આ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી સહિતને પાંચ દિવસ પહેલા લેખિત રજૂઆત કરવા છતા કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરતા ગામલોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ᅠ
સંપૂર્ણપણે ખેતી આધારીત છડીયાળી ગામમાં ખેડૂતો સાથે બનેલા નકલી ખાતરના કારસ્તાન બાદ ખેડૂતો દ્વારા નિષ્ફળ ગયેલા વાવેતરનું યોગ્ય વળતર સરકાર તરફથી ચુકવવામાં આવે તેમજ આગામી ત્રણ દિવસમાં આ બાબતે કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે અને ન્યાય નહીં મળે તો આત્મ વિલોપન કરવાની તથા સંબંધિત કચેરીઓ સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
