<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભાવનગરનાં ક્રિકેટર ચેતન સાકરીયાના રાજકોટના મહિલા ક્રિકેટર મેઘના જાંબુચા સાથે લગ્ન

ગયા વર્ષે સગાઇ થયા બાદ ભાવનગરના ખાનગી રિસોર્ટમાં બંને લગ્નગ્રંથીથી જોડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૫ : ભાવનગરના વતની અને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટર ચેતન સાકરીયા અને રાજકોટ ના ક્રિકેટ પ્‍લેયર  મેઘના જાંબુચા રવિવારે વિધિવત શાસ્રોક્‍ત રીતે લગ્નના બંધનમાં બંધાયા હતા. ભાવનગરના ખાનગી રિસોર્ટમાં લગ્ન વિધિ યોજાઈ હતી.

ક્રિકેટર ચેતન સાકરીયાના જેની સાથે લગ્ન થયા છે તે મેઘના જાંબુચા પણ ક્રિકેટર છે. તે મુળ રાજકોટના છે. તે સૌરાષ્‍ટ્રની સિનિયર વિમેન્‍સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્‍ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી. ભાવનગરનો ડાબેરી ફાસ્‍ટ બોલર ચેતન સાકરિયા સર ભાવસિંહજી ક્રિકેટ ક્‍લબમાંથી કોચીંગ લેતો હતો. રણજી ટ્રોફી, સૈયદ મુસ્‍તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે નોંધપાત્ર દેખાવ બાદ તે આઈપીએલ- ૨૦૨૦માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો. અનુભવ મળ્‍યા બાદ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમોમાં તેને ભારતની ટીમ વતી રમવાની પ્રથમ તક મળી હતી.

જુલાઇ, ૨૦૨૧માં તેણે વન ડે ક્રિકેટ ઈન્‍ટરનેશનલમાં પદાર્પણ કરતા ભાવનગરમાંથી અશોક પટેલ બાદ આંતર રાષ્‍ટ્રીય ક્રિકેટ રમનારો બીજો ખેલાડી થયો હતો. તેણે સાથે ટી-૨૦માં પણ ભારત તરફથી પદાર્પણ કર્યું હતુ. ૨૦૨૨ની IPL ઓક્‍શનમાં દિલ્‍હી કેપિટલ્‍સ દ્વારા તેને ૪.૨ કરોડમાં ખરીદાયો હતો.

બંને ક્રિકેટરે પ્રભુતામાં પગલાં માંડ્‍યા છે અને નવી ઈનિંગની શરૂઆત કરી છે.

(1:31 PM IST)