<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મોરબી, પોરબંદર સહિતની ૫ મેડીકલ કોલેજ સરકારી ગણાય તો ઉંચી ફી શા માટે?

મેડીકલ સોસાયટીના વહીવટની તપાસ માંગતા ડો.મનીષ દોશી

રાજકોટ,તા. ૧૫: કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો.મનીષ દોશી જણાવે છે કે, રાજયની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે ૬૦ ટકા રકમ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, આ તમામ કોલેજોમાંથી ૧૫ ટકા બેઠકો ઓલ ઇન્‍ડિયા કવોટા તરીકે પણ આપવામાં આવે છે ત્‍યારે આ કોલેજોમાં સરકારીધોરણે ફી લેવાના બદલે મેડિકલ સોસાયટીમાં સામેલ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. ખરેખર મેડિકલ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરવી જોઇએ.

મેડિકલ પ્રવેશના નિયમો પ્રમાણે સરકારી કોલેજોમાંથી ૧૫ ટકા બેઠકો ઓલ ઇન્‍ડિયા કવોટામાં ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રાજપીપળા, નવસારી,પોરબંદર, ગોધરા અને મોરબી કોલેજમાંથી હાલમાં ઓલ ઇન્‍ડિયા કવોટાની બેઠકો આપવામાં આવે છે. એટલે કે આ બેઠકોને સરકાર સીધી રીતે સરકારી કોલેજ તરીકે ગણાવી રહી છે. આમ, ખરેખર આ સરકારી કોલેજ હોય તો પછી તેની ફી મેડિકલ સોસાયટીની અન્‍ય કોલેજોની જેમ વાર્ષિક ૫.૫ લાખ રૂપિયા કેમ નક્કી કરવામાં આવી છે તે પ્રશ્ન છે. ભૂતકાળમાં વડાપ્રધાનને પત્ર લખીને ડો. દોશી દ્વારા આ તમામ મેડિકલ કોલેજોમાં સરકારી ધોરણે રૂ.૨૫ હજાર ફી નક્કી કરવી જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા કોલેજ તૈયાર કરવા માટે આપેલી ૧૯૫ કરોડ રૂપિયાની રકમ પછી પણ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી તોતિંગ ફી વસુલવામાં આવે તે બિલકુલ અન્‍યાયી છે. આગામી દિવસોમાં કેગ દ્વારા સમગ્ર સોસાયટીના વહીવટની માંગણી કેન્‍દ્રમાં કરવાનું પણ નક્કી કરવામાં આવ્‍યું છે. તેમ ડો.મનીષ દોશી જણાવે છે.

(2:10 PM IST)