<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

સાગરખેડુ ખારવાઓનું કાલે દરિયાઇ નૂતન વર્ષ નવા નારોજ

સાગરખેડુઓ દરિયાઇ કેલેન્ડર નવા નારોજના પ્રથમ દિવસે દરિયો ખેડવાનું મુહૂર્ત કરે છેઃ દિવાળી અને નૂતન વર્ષની જેમ નવા નારોજની ઉજવણી : શુભેચ્છાઓ પાઠવી - વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છેઃ ઘેર-ઘેર મીઠાઇ તથા સ્વાદિષ્ટ ભોજન બનાવાય છેઃ સલામત દરિયાઇ સફર માટે દરિયાદેવને પ્રાર્થના કરે છે : એક નારોજ એટલે એક દિવસ તે રીતે ૩૬પ દિવસનું દરીયાઇ કેલેન્ડર

પોરબંદર : વિક્રમ સવંત ર૦૮૦ના અષાઢ શુદ ૧૦ને આવતીકાલે મંગળવાર તા.૧૬ મીએ ખારવાઓના પરંપરાગત નવાના રોજ ઉત્સવની  દિપોત્સવી  નૂતન વરસની જેવી ઉજવણી કરવામાં આવશે અને તે દિવસે પોરબંદર સમસ્ત બાર ગામ ખારવા સમાજ (જ્ઞાતિ)ના પંચ પટેલો, પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ પુર્વ ટંડેલો મત્સ્ય ઉદ્યોગ ધંધાર્થી માલીકો સમુહમાં અરબી સમુદ્રકિનારે અસ્માવતી ઘાટે બારાએ જશે. નવા નીરને વધાવશે. પાણી સાકરનું નૈૈવેધ ધરી સમુદ્ર દેવનું મીઠુ મોઢુ કરાવશે. સામુહીક  પ્રાર્થના કરશે. દરીયાય દિપોત્સવી અને નુતન વરસનો પ્રારંભ કરશે. જો કે દરીયાઇ જળવહેવાર વ્યાપારી પ્રારંભનો શ્રાવણ માસમાં રક્ષાબંધન બારા પુજા કર્યા બાદ નવી મૌસમની શરૃઆત કરશે. હવે તો માલવાહક દેશી વહાણોને બદલે શીપના કન્ટેનરનો યુગ આવી ગયેલ છે.

દરીયાઇ દિવાળી નુતન વરસ દરીયાઇ ના રોજ તેની સાંસ્કૃતિક ઓળખ છે. સળંગ દિવસ એક વરસ, ૩૬૦ થી ૩૬પ તીથી વધઘટ પ્રમાણે ગણાય છે.

આ દિને વહાણવટાના ધંધા સાથે સંકળાયેલ ધંધાર્થીઓ દિપોત્સવી-નુતનવર્ષની જેમ ઉજવણી કરતા ઓફીસ વિગેરે શણગાર રોશનીથી આસોપાલવના લીલા તોરણ બાંધી ઉજવણી કમરતા અને સમુદ્ર કિનારે અસ્માવતી ઘાટે શાસ્ત્રોકત વિવિધ અનુસાર દરીયા દેવની આરાધના કરી જળ પીવડાવી સાકર પધરાવી દરીયા દેવનું મીઠુ મોઢુ કરાવતા અને પ્રચલીત સાંસ્કૃતિક છે. હાલ પોરબંદરમાં વહાણ વટુ રહયું નથી. મત્સ્ય ઉદ્યોગ જીવંત છે તેમ છતા પોરબંદર સામસ્ત ખારવા સમાજ વાણોટ (પ્રમુખ) પંચ પટેલો ટ્રસ્ટીઓ ડાયરાના પહેલો હૈયાત ના ખુદ યાને ટંડેલ (કેપ્ટન)ને સાથે રાખી તા.૧૬ અષાઢ સુદ ૧૦ મંગળવારે શુભ ચોઘડીયે મીઠુ મોઢુ કરાવશે.

એક સમયે પોરબંદર સીઝની બંદર ધીકતુ બંદર જીવંત હતું. સીઝની એટલે આઠ માસ કાર્યરત રહેતુ અને ખારવા જાતીના સભ્યોના તેમજ ભાટીયા, વણીક, લોહાણા વિગેરેના વહાણો હતા. ત્યારે ત્યારે શીપીંગ એજન્ટો, વિમા કંપનીઓ, કલીયરીંગ એજન્ટની ઓફીસો ધમધમતી બહારથી પણ અનય કંપની ધંધો કરવા અહી ઓફીસ ખોલતી કાર્ગો સ્ટીમર પરથી પોરબંદરનો દરીયા કિનારો ભરચક્ક રહેતો આખર સીઝનમાં તો કાર્ગો સ્ટીમરની લાઇન લાગતી. જાવરમાં આવેલ મીઠા ઉદ્યોગ પોરબંદરના વણીક મુળ ભાવનગરના સ્વ. ગુણવંતરાય કામદારની કાર્ગો ભારત લાઇન શીપીંગ પોરબંદરના મુળવતની ભાટીયા સદગૃહસ્થ સ્વ. મોરારજી (મોરારભાઇ) ભાટીયાની સિંધીયા સ્ટીમ તેવીગેશન ઓફીસ હેડ ઓફીસ મુંબઇ જયારે ઇસ્ટ ઇન્ડીયા કાુ. સાથે સંકળાયેલ માંગરોલના વણીક સ્વ. છોટાલાલ પ્રેમજીની બ્રિટીશ શીપીંગની ઓફીસ આ બધી ઓફીસો જુની પોર્ટ ઓફીસ પાસે હાલ સ્વ.ગોવિંદ તોરણીયાનો મનોજ નામનો બંગલો છે. તેમાં કાર્યરત હતી. આ ઉપરાંત હવાઇ ઓફીસ ઇન્ડીયન એર લાયન્સની પણ ઓફીસ કાર્યરત હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ટ્રેડીંગ મહાસાગર વીમા કાું. ભાભા મરીન ઇન્સ્યુરન્સ કલ્યાણ ઇન્સ્યુરન્સ સ્વ. દામોદર અમીચંદ ભુરાલાલ ભુદરજી, લઘુ કેશવ લોઢારી, ચત્રભુજ તથા નારણભાઇ શિયાળા વેલજી પી એન્ડ સન્સ ભાભા કલીયરીંગ એજન્ટ નાના મોટા વહાણના ધંધા સાથે સંકળાયેલ. પરંતુ પોરબંદર બંદરનું વહાણવટુ બારમાસી બંદર સને ૧૯૭૮માં સક્રિય કાર્યરત થતા ક્રમશઃ ક્રમશઃ સરકારશ્રીના કરોડો રૃપીયા બારમાસી બંદર વિકસાવવા માટે બરાણા મધ્ય ઇન્ટરનેશનલ કક્ષાનું બારમાસી બંદર બન્યું હોવા છતાં સ્થાપીત હિતોએ અને મિલી ભગતનો વિકાસ રૃંધાવી નાખ્યો છે.

દરિયો-યાને સમુદ્ર સાથે-સાથે જળવહેવારથી જોડાયેલ ખારવા સમાજની રગમાં સમુદ્રજળ વ્યવહારથી જોડાયેલ  ખારા પાણીમાં ધંધો કરતી વ્યકિતઓ ખારવા કહેવાયા મૂળભૂત ઉડાણથી વિચારીએ અને મળતી વિગત પ્રમાણે ખારવા-રાજપૂત છે. તેની ઓળખ તેમની રાજપુતો જેવી અટકો ઉપરથી મળી આવે.

દાખલા તરીકે રાઠોડ કોટિયા, લોઢારી માલમ જુંગીવારા (વર્મા) મસાણી દિવેટિયા કોટિયા શિયાળ કુહાડા હોદાર જેઠવાઃ- મઢવી મચ્છવાળા ઝાલા :- જગતિયા ચાવડાઃ-ખોખરી- પરમાર- મોતીવરસ  પાદરિયા સિંધવ- ડાલકીયા (મચ્છુવારા) મોતીવરસ) ચૌહાણ શેરાજી મોદી બરીદુન હરચડી, ગોંસીયા બાંડિયાવારા ચુડાસમા- ગિરનારી ખારવા બાદશાહી ખેતરપાર ખુદાઇ અને ભાદ્રેચા વાળાઃ- સલેટ તોરણીયા, ભરાડા, દેલવાડીયા, વાઘેલાઃ સોનેરી, ટોડરમલ, પાંજરી, સોલંકી, વાંદરીયા, ગોહેલ : ગોહેલ, કાંટેલીયા, ગોધાવારા, ટાંક, મુકાદમ વિ. અટકો છે.

ખમીરવંતી ખારવા કોમમાં ઉપર મુજબ શાખા માટે પેટા અટકો ઉત્પન્ન થઇ . આમ હાલની ખારવા કોમનો સંબંધ એક સમયે અસલ ૩૬ કુળના ક્ષત્રિય રાજપુત (હિન્દુસ્તાન) ના સાથે ગણવામાં આવતો હતો. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ યજુર્વેદ કહેવા મુજબ ક્ષરીવાહ (ખારવા) આર્ય છે.  અને જનોઇનો હક્ક ધારણ કરવાનો અધિકાર ધરાવે છે.

ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આધારે  ઇ.સ. ૧૦૨૪ અને ૧૦૨૫ની છેલ્લી લડાઇ વખતે રાજપૂત (ક્ષત્રિય)ની હારથી થતા તેમજ હિન્દુ ધર્મના '' મહાન ઇષ્ટદેવ ભગવાન સોમનાથ''ના શિવલિંગદાદા બચાવવા ખૂબ મહેનત કરી છતા સફળતા મળી નહી. તેથી હોડીમાં બેસીને જયા નદીમાં કિનારો આવ્યો ત્યાં રહેઠાણ બનાવી લીધા અને સોમનાથ મંદિરથી સુદામાપુરી અન્ય ૧૨ (બારા)ના નાના બંદરોના કિનારે લઇ નાના મોટા કામો કર્યા  આર્ય યજુર્વેદ ગ્રંથમાં ''ક્ષરિવાહુ'' તરીકે          નો ઉલ્લેખ છે. ક્ષરિવાહુ અપભ્રંશ શબ્દ ખારવા થાય છે.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ સૂર્યવંશ બીજા સ્થાને ચંદ્રવંશ અને ત્રીજા સ્થાને અગ્નિવંશ મુખ્ય વંશ થયા તેમાં ૧૨ મૂળ શાખા પરથી ૧૩૦ જેટલી પેટા શાખામાં  અટકો છે.

પોરબંદરમાં ક્ષત્રિય રાજપૂતે વસવાટ શરૃ કર્યો અન જળે વહેવાર દ્વારા રોજગારી શરૃ કરી ક્ષત્રિય-રાજપૂતથી ક્ષરિવાહુ આને ખારા પાણીમાં ધંધો કરનાર અપભ્રંશ ખારવા શબ્દો પ્રચલિત બન્યો અને ખારવા તરીકે ઓળખ ઉભી થઇ મૂળ રાજપૂત  હિન્દુ અને જનોઇ ધારણ કરવાનો હકક ધરાવે છે. તેમ યજુર્વેદમમાં ઉલ્લેખ છે.

ક્ષરિવાહુ-ખારવા મત્સ્ય-વહાણવટુ સાગર ખેડવાનું શરૃ કર્યુ પોરબંદરના જેઠવાવંશી રાજવીઓએ પોતાની તળપદ  રૈયત(પ્રજા) તરીકે સ્વીકારી સ્થાન આપ્યું  છે. તેમનું ગણિત કોઠાસુઝ હૈયા ઉકલન ઉકલતું રહયું છે. વર્તમાન સમયમાં જાગૃતિ આવી  અને શિક્ષણ તરફ આર્કષાયા છે. પરંતુ હૈયા ઉકલન કોઠાસુઝ જેની રગે રગમાં લોહીમાં દરિયાય વહેવાર-વહાણવટુ વણાયેલ છે. અને હૈયાસુઝ કોઠાસુઝથી વિશ્વના દેશોમાં  વ્યાપારથી જોડાયેલ પોરબંદરનું વહાણવટું વિકસીત કરેલ અક્ષરજ્ઞાન નહી પણ કોઠાસુઝથી દિશા પારખનાર ટંડેલ નાખુદા (કેપ્ટન)નો મહત્વ ફાળો રહયો પરંતુ હાલ પોરબંદર પાસે માત્ર ગણયા ગાંઠયા વહાણો છે. કેટલાક કિનારે જળમાં  લાંગરે છે. પાછળમાં સડી રહ્યા છે. ૧૫૦૦ થી ૨૦૦૦ ની ક્ષમતા ધરાવતા હોય છે. કેટલાક વહેંચાય ગયા છે અને તોફાનમાં મધદરિયે નીચે ડૂબી ગયેલ છે.

: આલેખન :
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર

(2:41 PM IST)