<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજાનો મુકામઃ ડેમ, નદી, નાળામાં નવા નીર

વિજળીએ ૪ પશુઓનો ભોગ લીધોઃ ઘી-સિંહણ ડેમમાં પાણીની આવક વધી

ખંભાળીયાઃ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના ગાંગડી ગામેᅠ મશરીભાઈ આહીર નામના ખેડૂતને ખેતરમાં ત્રણ ભેંસ ઉપર વીજળી પડતા ત્રણેયના મૃત્‍યુ નિપજયા હતા બનાવની જાણ તંત્રને કરવામાં આવી છે ખંભાળિયા તથા કલ્‍યાણપુરમાં અનેક વીજળીના ટ્રાન્‍સફોર્મરો તથા વીજ વાયરો પર વીજળી પડતાં વીજ પુરવઠો ખોર વાઈ ગયો હતો.દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામે ૬૬ કેવી વીજળીના મોટા ટાવર પોલ પડી ગયા આ થાંભલા પડતા ૧૧ કેવી વીજવાયર પર પડતાં મોટો વીજ વિક્ષેપ પણ સર્જાયો હતો તથા થાંભલાᅠ પડવાથી ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે પુનઃ મેઘરાજાનો મુકામ બની રહ્યો હતો. સોમવારે રાત્રિથી શરૂ થયેલી મેઘ સવારી મંગળવારે પણ જારી રહેતા જિલ્લાના મોટાભાગના વિસ્‍તારોમાં એકથી ત્રણ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નાના-મોટા જળસ્ત્રોતોમાં પાણીની ધીંગી આવક થઈ હતી.

સૌથી વધુ કલ્‍યાણપુર પંથક પર મેઘરાજા મહેરબાન થયા હતા. સરકારી ચોપડે કલ્‍યાણપુર તાલુકામાં બપોરે ૯ મી.મી. બાદ સાંજે ૬ થી ૮ દરમિયાન બે ઈંચ પછી પણ વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહ્યો હતો અને તાલુકામાં કુલ પોણા ત્રણ ઈંચ (૬૬ મી.મી.) વરસાદ નોંધાયો હતો. કલ્‍યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, આસોટા સહિતના ગામોમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભથી જ વરસાદી હેત વધુ વરસ્‍યું છે. જેમાં ગઈકાલે દિવસ દરમિયાન હળવા ઝાપટા બાદ રાત્રિના સાત વાગ્‍યાથી ૯ વાગ્‍યા સુધીના સમયગાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની બે ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્‍તારોમાં ગોઠણબુડ પાણી ચાલી નીકળ્‍યા હતા. અને થોડો સમય પાણીનો ભરાવો થયો હતો. રામનાથ રોડ, નગર ગેઈટ, પોરબંદર રોડ, વિગેરે વિસ્‍તારના રસ્‍તાઓમાં પાણીનો ભરાવો થઈ જતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો. આટલું જ નહીં, કેટલાક સ્‍થળોએ કાર તેમજ બાઈક જેવા વાહનો બંધ પડી જતા વાહન ચાલકો, રાહદારીઓને મુશ્‍કેલી થઈ હતી.

વડત્રા, ભાડથર, હરીપર વિગેરે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ભારે વરસાદ વરસ્‍યો હતો. ધોધમાર વરસાદના પગલે ખંભાળિયા શહેરને પીવાનું તથા આસપાસના વિસ્‍તારોમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં આશરે પોણો ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમની સપાટી સાડા નવ ફૂટ સુધી પહોંચી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ સાથે ખંભાળિયા - જામનગર રોડ ઉપર આવેલા મહત્‍વના એવા સિંહણ ડેમમાં પણ વધુ અઢી ફૂટ નવા નીરની

આવક થતા ડેમની સપાટી સાડા ૧૧ ફૂટે પહોંચી છે. જિલ્લાના મોટાભાગના વિસ્‍તારોમાં સાર્વત્રિક વરસાદથી અનેક નાના-મોટા ચેકડેમ તેમજ નદીનાળા છલકાઈ ગયા છે. જયારે અન્‍ય જળ સ્ત્રોતોમાં પાણીની ધિંગી આવક થવા પામી છે.

કલ્‍યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતા એક આસામીની માલિકીની ત્રણ ભેંસો પર આકાશી વીજ ત્રાટકતા આ ભેંસના મોત નીપજયા હતા. આ ઉપરાંત કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામે એક ગાય પર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હતું. કલ્‍યાણપુર પંથકમાં ગત સાંજના ભારે પવનના કારણે ચાચલાણા ગામના એક ખેડૂતના મકાનના પતરા તૂટી ગયા હતા. કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે ૬૬ કે.વી. તથા ૧૩૨ કે.વી. વીજળીના મોટા વીજપોલ પડી જતા વ્‍યાપક નુકસાની થવા પામી હતી. સાથે જીવંત વીજ વાયર ૧૧ કે.વી.ની લાઈનો પર પડતા લાંબો સમય વીજ વિક્ષેપ સર્જાયો હતો.

બારાડી બેરાજા ગામે રહેતા દેવશીભાઈ ચાવડાના ઘર પર વીજળી પડતા તેમના ઘરના ઈલેક્‍ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા અને છતમાં ખાડા પડી ગયા હતા.

સાર્વત્રિક અને મુશળધાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૩૧ ઈંચ (૭૭૯ મી.મી.) કલ્‍યાણપુર તાલુકામાં ૧૮ ઈંચ (૪૪૨ મી.મી.), દ્વારકા તાલુકામાં ૧૬ ઈંચ (૪૦૨ મી.મી.) અને ભાણવડ તાલુકામાં ૧૪ ઈંચ (૩૫૩ મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ઈંચ (૪૯૫ મી.મી.) થયો છે.

(1:43 PM IST)