<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ગોંડલના આશાપુરા મંદિરમાં સિકયુરીટી મેનને બાંધી ચલાવાયેલી લૂંટનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. વાલાભાઇ ડાભી, હેડ કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજાની બાતમીઃ યુપીનો હાલ રૂખડીયા પરામાં રહેતો કુંવરપાલસિંહ ઉર્ફે કપ્‍તાનસિંહની ધરપકડઃ યુપીનો સંજયસિંહ અને બીહારના પ્રમોદની શોધખોળ

રાજકોટ તા. ૧૮: ગોંડલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં સીકયુરીટી મેનને બાંધીને રૂમમાં પૂરી દઇ સોના-ચાંદીના આભુષણો તથા રોકડ રકમની ચલાવાયેલી લૂંટનો રાજકોટ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી યુપીના એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર રૂડા ઓફીસની સામે અત્તર વેંચતો શખ્‍સ થેલામાં ચોરાઉ દાગીના સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. વાલાભાઇ ડાભી, હેડ કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત, કોન્‍સ. નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા પી.એસ.આઇ. એમ. જે. હુણ સહિતના સ્‍ટાફે જામનગર રોડ રૂડાની ઓફીસ સામે પથીકાશ્રમ પાસે ઉભેલા શખ્‍સને શંકાના આધારે પકડી તેની તલાશી લેતા તેની પાસેના થેલામાંથી કટર, સોના ચાંદીના છત્તર, મુગટ તથા ચાંદલા મળી આવતા પોલીસે તેનું નામ પુછતા તેણે પોતાનું નામ કુંવરપાલસિંહ ઉર્ફે કપ્‍તાનસિંહ નીરપતસિંહ નાયક (ઉ.વ.૬૦) (રહે. રાજકોટ સેન્‍ટ્રલ જેલની પાછળ રૂખડીયા મફતીયાપરા) ઓરડીમાં ભાડે, મૂળ રામનગર ગામ, કનોજ ઉત્તર પ્રદેશ) નામ આપ્‍યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા થોડા દિવસ પહેલા ગોંડલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં અન્‍ય બે શખ્‍સો સંજયસિંહ ફુલસિંહ નાઇક (રહે. રામનગર, તા. તીરવા ઉત્તર પ્રદેશ) અને પ્રમોદ ક્રીપાલભાઇ બીહારી (રહે. બીહાર) ત્રણેયે સીકયુરીટી મેનને મોઢે માસ્‍ક તથા કપડુ બાંધી તેને રૂમમાં લઇ જઇ સાડથી ખુરશી સાથે બાંધી રૂમમાં પુરી દઇ આશાપૂરા મંદિરમાં તથા સંકુલમાંથી આવેલા અન્‍ય મંદિરોમાં કટરથી ગ્રીલ કાપી સોના-ચાંદીના છત્તર, મુગટ, ચાંદલા અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી. બાદ ત્રણેય રાજકોટ આવ્‍યા બાદ કુંવરપાલસિંહ ઉર્ફે કપ્‍તાનસિંહ રાજકોટ રોકાયો હતો. અને સંજયસિંહ અને પ્રમોદ ભાગી ગયા હતા. પોતે રાજકોટમાં અત્તર વેંચવાનું કામ કરે છે. બીહારનો પ્રમોદે અગાઉ ગોંડલમાં ચોકી રેલ હોઇ તેથી તેણે બે સાગરીત કુંવરપાલસિંહ ઉર્ફે કપ્‍તાનસિંહ અને સંજયસિંહ નાઇકને સાથે રાખી લૂંટ ચલાવ્‍યાની કબુલાત આપી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે કુંવરપાલસિંહ પાસેથી રૂા. પ૩૦૦૦ના સોનાના ચાંદલા, રૂા. ૬૦૦૦ના ચાંદીના છત્તર અને મુગટ રૂા. ૬૬૦ રોકડા એક મોબાઇલ ફોન, એક રૂપિયાના ૧ર૬ સીકકા, લોખંડના સળીયા કાપવાનું કટર, એક લોખંડનો છરો, એક ટોર્ચ અને કાળા કલરની બેગ મળી રૂા. ૬૧૦૩૬નો મુદામાલ કબ્‍જે કરી કુંવરસિંહ ઉર્ફે કપ્‍તાનસિંહને ગોંડલ પોલીસને સોંપતા ગોંડલ પોલીસે યુપીના સંજયસિંહ નાઇક અને બીહારના પ્રમોદ બીહારીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ એ.એસ.આઇ. વાલાભાઇ ડાભી, ઘનશ્‍યામભાઇ મેણીયા, હે.કો. અમીતભાઇ અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા, કિરતસિંહ ઝાલા, જનકભાઇ કુગશીયા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા અને પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:38 PM IST)