<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ૧૬ ગામના ગામ તળના પ્રશ્નોનીનું સુખદ નિરાકરણ : સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ , જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાન ઉપસ્થિતિમાં સરપંચો અને આગેવાનોએ ગામતળમાં વિકાસના કામોને આવકાર્યા

વર્ષો જૂની સમસ્યા ઉકેલવામાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિશ્રીઓના પ્રયત્નોને બિરદાવતા ગ્રામજનો : બામણાસા, ધાવા, જાવંત્રી સહિતના ગામોના અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ થયો

ગીર સોમનાથ, તા.૧૮ : તાલાલા તાલુકાના બામણાસા, ધાવા, જાવંત્રી સહિત ૧૬ ગામોના ગામતળના પ્રશ્નો વર્ષોથી વણઉકેલ્યો રહ્યાં હતાં. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રજાલક્ષી પ્રયત્નો અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વહીવટીતંત્રની સમયબદ્ધ કામગીરીથી આ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે.

તાલાલા તાલુકાના જાવંત્રી, હિરણવેલ, હડમતિયા સહિત ૧૬ ગામોમાં વન વિભાગની જમીનમાંથી ગામતળ વધારવાનો પ્રશ્ન ૩૦ વર્ષથી પડતર હતો. જનપ્રતિનિધિશ્રી તેમજ કલેકટરશ્રીએ ગ્રામજનોને સમજૂત કરતા ૧૬ ગામના પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા કરવામાં સહમતિ આપી છે અને આ વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા બદલ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિશ્રીઓના પ્રયત્નોને બિરદાવ્યાં હતાં.

આ અંગે વધુ વિગતો આપતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ૧૬ ગામની વિસંગતતાઓ અને વિવિધ કારણોસર ગામતળના કબજા સોંપાયેલ નહોતા પરંતુ વહીવટીતંત્ર અને જનપ્રતિનિધીશ્રીઓના સહિયારા પ્રયત્નો તેમ જ ગ્રામજનોના સહકારથી આ કપરું કાર્ય શક્ય બન્યું છે. હવે ગામતળ સ્વીકારવાના કારણે ગ્રામજનોને આરોગ્ય કેન્દ્ર પ્લોટની ફાળવણી જેવા વિકાસના કામોને વેગ મળશે અને ગ્રામ પંચાયતોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, "ગ્રામજનો વહીવટી તંત્રની અસરકારક કામગીરીને ધ્યાનમાં લે અને વધુમાં વધુ સહયોગ આપી ભવિષ્યના ફાયદાઓ ધ્યાનમાં લઈ હકારાત્મક વલણ રાખી ગામતળ સ્વીકારી લેવું જોઈએ. આ પ્રક્રિયામાં ગ્રામજનોના હકો અબાધિત રહે એ રીતે કાર્ય કરવામાં આવશે. જેથી ભવિષ્યના પ્રજાલક્ષી કામોનો માર્ગ મોકળો થશે અને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.

જ્યારે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,"લાંબા સમયથી ગામ તળનો પ્રશ્ન વણ ઉકેલ્યો હતો. જેનો તમામના સહયોગથી સુખદ ઉકેલ આવ્યો છે. આ કાર્યમાં ગ્રામજનોએ સ્વેચ્છાએ વાડાઓ, વંડાઓ જેવા બિન અધિકૃત દબાણો દૂર કરવાની બાહેધરી પણ આપી છે. તેમજ સરકારશ્રીની સૂચના અનુસાર હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે નાના રહેણાંકના દબાણો દૂર કરવામાં આવશે નહીં. જેથી ગ્રામજનોની શંકાઓ દૂર થઈ છે. ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. જેથી તમામ ગામોમાં ગામતળની જમીન મળવાથી ૧૦૦ ચોરસ વારના પ્લોટ, આંગણવાડી, પંચાયત ઘર, પાણી પુરવઠાના કામો સહિતની સુવિધાઓ મળશે."

નોંધનીય છે કે, આ ૧૬ ગામો પૈકી સાંગોદ્રા, જેપુર અને ભોજદે આ ત્રણ ગામોમાં હાલ વનવિભાગે કેન્દ્ર સરકારમાં ગામતળ મંજૂર કરવાની દરખાસ્ત કરી છે. જે મંજૂર થયેથી ગામતળની જમીન સોંપવામાં આવશે.

અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા સમજુત કરતા ધાવામાં ૭૨, જાવંત્રીમાં ૧૭, મંડોરણાંમાં ૪૦, વડાળામાં ૧૭, સૂરવામાં ૪૯, બામણાસામાં ૫૨, હડમતીયામાં એક અને વાડલામાં ૧૮ મોટા વંડાઓ, વાડાઓ સહિતના બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબહેન મૂછાર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ પ્રાંત, એસીએફ ગીર (પશ્ચિમ) વિકાસ યાદવ, પ્રાંત અધિકારી વિનોદ જોશી,  મામલતદારશ્રી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ-સભ્યો અને ધાવા, જાવંત્રી, માધુપુર-જાંબુર, હિરણવેલ સહિત ૧૬ ગામના સરપંચો, પ્રતિનિધિઓ, તલાટીમંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:11 PM IST)