News of Monday, 22nd July 2024
એકના ત્રણ કરવાની લાલચમાં ઇન્દોરથી કચ્છ આવ્યા અને ૬ લાખ રૂપિયા ગૂમાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત આજના યુગમાં પણ એટલી જ સાચી છે. અંજારના ઠગોએ એક લાખના ત્રણ લાખ કરવાની લાલચ આપી ઇન્દોરના યુવાન સાથે ૬ લાખ રૂ. ની ઠગાઈ કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇન્દોરના દેવાંશ વિનોદ સિંધી નામના યુવાનને ફેસબુક ઉપર અંજારના કાર્તિક પટેલ સાથે દોસ્તી થઈ હતી. એણે અંજારમાં ૧ ના ૩ ગણા રૂપિયા થતાં હોવાની વાત કરતા લાલચમાં આવી દેવાંશ રૂ. ત્રણ લાખ ઉછીના લઈ મિત્ર સાથે અંજાર આવ્યો હતો. અહીં કાર્તિક અને મનોજ પટેલ નામવાળા બે શખ્સોએ તેને વધુ ત્રણ લાખ મંગાવવા નહીતો મારી નાખવાની ધમકી આપતા એણે આંગડિયા મારફત બીજા ૩ લાખ મંગાવ્યા હતા. દરમ્યાન ડરી ગયેલા યુવાને માતાને ફોન કરતાં તે ઇન્દોરથી અંજાર દોડી આવ્યા હતા. તે વખતે સુલેમાન બાઘા નામના શખ્સે ફરિયાદ વગર અહીથી પરત જવા જણાવ્યું હતું. જોકે, અંતે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ લખવી હતી. કચ્છમાં થઈ રહેલ ઠગબાજી નો ભોગ બનનાર લાલચમાં આવી જતા હોય રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. નહિ તો એક ના ત્રણ બનાવનાર ને બીજા પાસેથી રૂપિયા મંગાવવા થોડા પડે? પણ લાલચમાં લોકો વિચારતા નથી અને ઠગાઈ ગયા પછી ડહાપણ આવે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
