<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જામનગર શહેરને પાણી પુરૂં પાડતા ચારેય જળાશયોમાં ડિસેમ્‍બર અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્‍થો સંગ્રહ થયોઃ લાખોટામાં પણ પાણી આવ્‍યું

જામનગરવાસીઓ આનંદો... જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ૨૫ ડેમ પૈકી ૧૫ જળાશયો ઓવરફલો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૨: જામનગર શહેરના આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉપરાંત લાલપુર સહિતના ગ્રામ્‍ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્‍યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ડિસેમ્‍બર અંત સુધી ચાલે તેટલો પાણી નો જથ્‍થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે.  રણજીતસાગર ડેમમાં ગઈકાલે નવું ૪ ફૂટ પાણી આવતા છલકાયો છે.

ᅠઆ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં પણ ગઈકાલેᅠ દોઢ ફૂટ નવું પાણી આવ્‍યું છે. કુલ ૮૦૧ એમ.સી.એફ.ટી. નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી ૧૬.૯૩ ફુટ થઇ છે.

ᅠઆ ઉપરાંત ઉંડ -૧ ડેમમાં પણ ગઈકાલે રાત્રે ૧૫૦૦ એમ.સી.એફ.ટી. પાણી આવતાં હાલ ડેમની સપાટી ૧૯.૩૨ ફૂટ થઈ છે. જયારે આજી-૩ ડેમમાં પણ ગઈકાલે ૧૭.૩૨ એમસીએફટી નવું પાણી આવ્‍યું છે, અને આ ડેમની સપાટી પણ ૧૭.૩૨ ફૂટ થઈ છે.

જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારી અલ્‍પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્‍યું છે. અને હજુ પણ તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે.

જામનગર શહેરના જીવાદોરી સમાન રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થઈ છે. દરેડ આસપાસના ગ્રામ્‍ય પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હોવાના કારણે દરેડ ની કેનાલમાં પાણી આવ્‍યું હતું. જેથી રણમલ તળાવની સપાટીમાં પણ વધારો થયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ થી મેઘરાજાનો વધુ એક રાઉન્‍ડ જોવા મળ્‍યો હતો, અને પરમદિવસ થી પડી રહેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના ૨૫ જળાશયોમાંથી ૧૪ જળાશયો ઓવરફલો થયા છે. જયારે અન્‍ય ૮ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે.

વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ફરી ઓવરફલો થઈ ગયો છે. તે ઉપરાંત રસોઈ-૨ ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે.

ત્‍યારબાદ ઉંડ-૪ᅠ ડેમ, તેમજ ડાઇમીણસાર અને વાગડિયા ડેમ કે જે ત્રણેય ડેમ પણ અનગેટેડ છે, અને તે ડેમ પણ પુરા ભરાઈ ગયા છે. અને ઓવરફલો થઈ રહ્યા છે.

આ ઉપરાંત ઉમિયા સાગર ડેમ માં પાણી નો વધુ જથ્‍થો આવી ગયો હોવાથી ડેમના ૨ પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. જયારે વાગડિયા ડેમ અને ઉન્‍ડ-૪ ડેમ કે જે અનગેટેડ છે, અને તે પણ ઓવરફલો થઈ ગયા છે. બાલંભડી અને વનાણાં ડેમ, વોડીસાંગ ડેમ, રંગમતી ડેમ સહિત કુલ ૧૪ ડેમ ઓવરફલો થઈ ગયા છે. ઉપરાંત અન્‍ય ૮ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.

ખાસ કરીને લાલપુર સહિતના આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સારો વરસાદ પડી ગયો હતો, અને નદી નાળામાં પુર આવ્‍યા હતા. જેમાં જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં વ્‍યાપક પ્રમાણમાં આવક થઈ હતી.

એક જ દિવસમાં રણજીત સાગર ડેમમાં ચાર ફૂટ થી વધુ નવું પાણી આવ્‍યું હતું. આસપાસના વિસ્‍તારની નદીનો ધસમસતો પ્રવાહ રણજીતસાગર ડેમમાં ઠલવાયો છે.

(11:03 AM IST)