<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ઉપલેટા ગ્રામીણ વિસ્‍તારોમાં સાંબેલાધાર ૧૦ ઇંચ

સવારે ઉપલેટા-પ, ગીરગઢડા ૪ાા, કેશોદમાં અઢી ઇંચ ખાબકયો : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાની જમાવટઃ સર્વત્ર પાણી-પાણીઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

તસ્‍વીરમાં ઉપલેટા અને ધોરાજી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : કૃષ્‍ણકાંત ચોટાઇ (ઉપલેટા), કિશોર રાઠોડ (ધોરાજી)

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાની જમાવટ યથાવત છે અને સર્વત્ર એકથી ૧૧ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે અને સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. આજે સૌથી વધુ વરસાદ ઉપલેટા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૧૦ ઇંચ જેટલો ખાબકયો છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વાર) ઉપલેટા : ઉપલેટા શહેરમાં પ ઇંચ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્‍યો છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં આજે સવારે સાડા ચાર ઇંચ વરસાદ ખાબકયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૨: સવારે કેશોદ, માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ સોરઠમાં પડાવ કરતા જનજીવન પ્રભાવિત થયું છે.

છેલ્લા ચાર દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા કળપા વરસાવી રહ્યા છે અને આજે પાંચમા દિવસે વહેલી સવારથી ફરી મેઘાએ આળસ મરડી છે.

સવારે છ વાગ્‍યે ઓચિંતા જ કેશોદ વિસ્‍તારમાં મેઘરાજા તૂટી પડ્‍યા હતા દોઢ કલાકમાં અઢી ઇંચ પાણી વરસતા કેશોદના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા.

કેશોદ તાલુકામાં સતત પાંચમા દિવસે પણ વરસાદ હોવાથી આસપાસના ઘેડ વિસ્‍તારના લોકોને હાલત વધુ કફોડી બની ગઈ છે.

કેશોદની સાથે સાથે સવારે માણાવદર વિસ્‍તારમાં પણ મેઘ સવારે આવી પહોંચી હતી. સવારે ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં બે ઇંચ વરસાદ થતાં માણાવદરના કેટલાક નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેશોદની માફક માણાવદર નજીકના ઘેડ વિસ્‍તારની હાલત સતત વરસાદથી વધુ કફોડી બની ગઈ છે.

જૂનાગઢમાં પણ આજે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢની સાથે સાથે ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદ હોવાથી સોનરખ નદી અને કાળવા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સવારે બે કલાકમાં જૂનાગઢમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

વંથલી તાલુકામાં રવિવારે એક ઇંચ મેઘ કળપા બાદ આજે ફરી સવારે આકાશમાંથી વધુ એક ઇંચ પાણી વરસ્‍યું હતું. મેંદરડા માં ૨૪ કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ નોંધાયા પછી આજે પણ સવારે વધુ એક ઇંચ વરસાદ થયો છે. ત્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસ્‍યા હતા.

આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં દોઢ ઇંચ, વંથલી ૧ ઇંચ, જૂનાગઢ શહેર તથા ગ્રામ્‍યમાં ૪

દોઢ ઇંચ, ભેસાણ ૧ ઇંચ, વિસાવદર ૩ ઇંચ,  મેંદરડા ૩ ઇંચ, કેશોદ દોઢ ઇંચ, માંગરોળ ૧ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૨ ઇંચ વરસાદ થયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર તા.૨૨: ગોહિલવાડ પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્‍યો છે. જિલ્લાના ઘોઘા માં અઢી ઇંચ તળાજામાં દોઢ ઇંચ ભાવનગર શહેર માં પણ સિહોર અને મહુવામાં અડધો -અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે. અન્‍ય તાલુકામાં  હરવા -ભારે ઝાપટા વરસી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના ઘોઘામાં ધોધમાર વરસાદ તૂટી પડતા અઢી ઇંચ થી વધુ વરસાદ ખાબકી ગયો છે. તળાજામાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્‍યો છે. ત્‍યારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે.

આજે સોમવારે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૭મી.મી. ,ઉમરાળા માં ૫ મી.મી., ભાવનગર શહેરમાં ૧૮ મી.મી ઘોઘા માં ૬૬  મી.મી.,સિહોર માં ૧૦ મી.મી., ગારીયાધાર માં ૬ મી.મી.,પાલીતાણા માં ૫ મી.મી.તળાજા માં ૩૬ મી.મી., મહુવામાં ૧૪  મી.મી.અને જેસરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે. 

(11:08 AM IST)