<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

પોરબંદરમાં વહેલી સવારે બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ

છાંયા રણ છલકાયું : ખીજડી પ્‍લોટમાં બુરાણને લીધે નજીકની સોસાયટીઓમાં ગોઠણબુડ પાણી : ઘરમાં પાણી ભરાયા : દરિયામાં ભારે મોંજા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. રર : દરિયાઇ પટ્ટી વિસ્‍તારમાં ભારે વરસાદ અંગે ઓરેન્‍જ એલર્ટને લીધે હજુ લોકોમાં ફફડાટ છે બે દિવસ સુધી અતિવૃષ્‍ટિ બાદ આજે વહેલી સવારે ૪ થી ૬ વાગ્‍યામાં ર કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ  વરસી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ પ૬ મીમી (૯૯૭ મીમી) તથા એરપોર્ટ હવામાન કચેરી મુજબ ૬૦.૮ મીમી (૧૦પ૬.૯ મીમી) નોંધાયો છે.

ભારે વરસાદને લીધે ગોઠણબુડ પાણી  ભરાયા છે લોકોની ફરીયાદો મુજબ ખીજડી પ્‍લોટમાં ગેરકાયદે બુરાણી વધી જતા પાણીનો નિકાલ થતો નથી. નજીકની સોસાયટીમાં વરસાદથી ર દિવસ પહેલા ભરાયેલા પાણીનો હજુ નિકાલ થયો નથી ત્‍યાં આજે સવારે પુનઃ ધોધમાર વરસાદ વરસી પડતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. છાંયા રણ ઓવરફલો થઇ ગયું છે. વાડી પ્‍લોટમાં પણ વરસાદના ભરાયેલા પાણી ઓસરતા નથી.

ઉપરવાસમાં ભાદર ઓઝત મધુવંતી નદીઓના પાણી શહેરના કર્લી જળાશયમાં આવી રહેલ છે જેના લીધે શહેરના કર્લીપુલ નજીક જળબંબાકાર સ્‍થિતિ છે ગાયત્રી મંદિર વાળો રસ્‍તો એક સાઇડ પાણી ભરાતા રસ્‍તો બંધ થયો છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર પ૬ (૯૯૭ મીમી) રાણાવાવ ૩ મીમી (૭૭૬ મીમી) કુતિયાણા ૧૧ મીમી (૬ર૧મીમી)  એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬૦.૮ (૧૦પ૬.૯ મીમી) નોંધાયો છે.

અરબી સમુદ્રમાં ભારે લોઢ પ્રકારના મોંજા ઉછળી રહ્યાં છે ઇન્‍દ્રેશ્વર મંદિર કાંઠે દરિયા ભેખડ સાથે અથડાયા બાદ મંદિરની શીખર ઉપર ધજાને ભીંજવી નાખે છે ઇન્‍દ્રેશ્વર મંદિર કાંઠે તથા ચોપાટી કાંઠે ભારે મોંજા  અથડાયા બાદ નજીકના રોડ સુધી પાણી ફેલાઇ જાય છે.

(11:08 AM IST)