<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સૌરાષ્‍ટ્રમાં વ્‍યાપક વરસાદથી ડેમોમાં નવા નીરઃ સૌથી વધુ જામનગરના રૂપાવટીમાં ૩.૯૭ ફુટ

છેલ્લા ર૪ કલાકમાં મેઘરાજાનું જળાશયો ઉપર હેત વરસ્‍યુ રાજકોટના ફાડદંગબેટીમાં ૩.૧ર ફુટ નવું પાણી આવ્‍યુ

રાજકોટ તા. રર :. મેઘરાજા ગુજરાતભરમાં સટાસટી બોલાવી રહ્યા છે. સૌરાષ્‍ટ્રને પણ ધમરોળી રહ્યા છે, ત્‍યારે મોટા ભાગના જીલ્લાઓમાં અનરાધાર વરસાદ પડયો છે.

જોરદાર વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે અને લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોની સપાટીમાં ધરખમ વધારો થયો છે, અમુક ડેમો ઓવરફલો થયા છે. રાજકોટ જિલ્લાના ફાડદંગ બેટીમાં ૩.૧ર ફુટ નવા પાણીની આવક નોંધાઇ છે, જયારે મોજ ડેમમાં પણ ૦.૯ર ફુટ સપાટી વધી છે.

મોરબી જિલ્લાના ડેમી-૧ માં ૧.૩૮, મચ્‍છુ-ર માં ૦.૧૬ તથા ડેમી-ર માં પણ ૦.૧૧ ફુટ નવું પાણી મેઘરાજાએ ઠાલવ્‍યું છે. જામનગર જિલ્લાના સસોઇ, સપડા, વિજરખી, કંકાવટી, રૂપાવટીમાં અનુક્રમે ૩.૬૧, ૧.૮૦, ૦.૮૯, ૩.૯૭ ફુટ પાણીની આવક છેલ્લા ર૪ કલાકમાં થઇ છે.

દ્વારકા જિલ્લામાં ઘીમા ૦.૬ર, ગઢકીમાં ૧.૪૮, વેરાડી-૧ માં ૧.૯૭, કાબરકામાં ૧.૩૧ તથા મીણસારમાં ૧.૮૦ ફુટ નવું પાણી આવ્‍યું છે. જયારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ધોળીધજામાં પણ પાણીની આવક નોંધાઇ છે.

(1:46 PM IST)