<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

શેરગઢમાં આભ ફાટ્યું :એક કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો : નદીમાં પૂર આવતા પુલમાં પડ્યું ગાબડું

ભારે વહેણમાં પાણીથી નદીના પુલમાં ગાબડું પડ્યું :ગામના સ્મશાનની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ: ખેતરોની સુરક્ષા દીવાલો પણ ધરાશાયી થઈ

કેશોદ પંથકમાં ગઈકાલે બપોરે શેરગઢમાં એક કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લીધે ગામની નદીમાં પૂર આવ્યું હતું. જેમાં સ્મશાન અને ખેતરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તો પાદરમાં આવેલા ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તણાઈ ગઈ હતી.

આ ધોધમાર વરસાદને લીધે ગામ નજીકથી પસાર થતી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના ભારે વહેણમાં પાણીથી નદીના પુલમાં ગાબડું પડ્યું હતું. તો ગામના સ્મશાનની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ છે. આ સાથે ખેતરોની સુરક્ષા દીવાલો પણ ધરાશાયી થઈ છે. પાદરમાં આવેલા ઝૂંપડામાં પણ પૂરનાં પાણી ફરી વળતા ઘરવખરી તણાઈ જવાથી કેટલાક પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

શેરગઢમાં પડેલા ભારે વરસાદને કારણે ગામ પાસેથી પસાર થતી નદીમાં પુર આવવાથી પાદરમાં રહેલા ચાર ઝુંપડા તણાઈ ગયા હતા. અહીં રહેતા પરિવારો સમયસૂચકતા દાખવી બહાર નીકળી ગયા હતા. અસરગ્રસ્ત પરિવારોના 15 જેટલા સભ્યોને પંચાયત તંત્ર દ્વારા ગામની શાળામાં આશરો આપવાની વ્યવસ્થા કરી હતી. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સર્વે માટે ત્યાં જશે તેમ તંત્રએ જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વિસાવદર- 3 ઈંચ,મેંદરડા- 3 ઈંચ,માણાવદર-પોણા 3 ઈંચ, માળિયા હાટિના બે ઈંચ, જૂનાગઢ-પોણા 2 ઈંચ,કેસોદ-દોઢ ઈંચ,જૂનાગઢ- 1 ઈંચ,ભેંસાણ-1 ઈંચ, વંથલી - 1 ઈંચ, માંગરોળ- અડધો ઈંચ વરસાદ વરસ્યો છે

(12:28 PM IST)