News of Wednesday, 24th July 2024
પોરબંદરની ભુગોળ સ્થાપિત હિતોએ બદલી નાખી?
વરસાદના પાણી નિકાલની જગ્યાઓ ઉપર ગેરકાયદે બુરાણોઃ સ્ટેટ વખતની અનામત જગ્યાઓ ગાયબઃ દર ચોમાસામાં વિકટ સ્થિતી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૪: અતિવૃષ્ટિથી ફલ્ડ જેવી સ્થિતી સર્જાતા લોકો ચિંતામાં મુકાયા પોરબંદર જ્યારે રાજ્ય હતું તે સમયે શહેરના પાણી નિકાલ માટે ખાસ વ્યવસ્થા હતી પરંતુ આજે આ પાણી નિકાલની જગ્યામાં ગેરકાયદે બુરાણો, વધી જતા વરસાદના પાણીના નિકાલ થતો નથી. વર્તમાન સાંસદ, ધારાસભ્ય અને મંત્રીઓ આ બાબતે ચિંતિત નથી તેઓ માને છે કે પાણી ભરાવવાની સમસ્યા માત્ર ૨ મહિના હોય છે.
શહેરમાં રાજ્ય વખતથી ૭ અનામત પ્લોટ હતા તે આજે ગાયબ છે આવા પ્લોટ ઉપર કોઇ સ્થળે બગીચો કે અન્ય બાંધકામ થઇ ગયા છે. સ્થાપિત હિતોએ ભ્રષ્ટાચારમાં શહેરની ભૂગોળ બદલી નાખી છે અને પાણી નિકાલની જગ્યામાં ગેરકાયદે દબાણો વધતા પાણી ભરાતા ભારે વરસાદમાં વસ્તી ઉપર જોખમ ઉભુ થાય છે.
વહીવટીતંત્રમાં નવા આવતા અધિકારીઓ શહેરમાં પાણી નિકાલ માટે ભૌગોલિક સ્થિતીથી અજાણ હોય છે તેઓ આ બાબતે અભ્યાસ કરાતા નથી. જૂના પોરબંદરમાં હોલી ચકલાના ઢાળથી પાણી આગળ જાય છે. માણેક ચોક વિસ્તાર ઉભો છે. ભાટીયા બજારમાં બંને બાજુ ઢાળ છે. કસ્તુરબા ગાંધી રોડ વિસ્તાર ઉંટની પીઠ જેવો છે. ત્રણેય બાજુ ઢાળના પાણી એમ.જી. રોડ ઉપર રેલાય છે.
સુતારવાડા ખાડામાં છે ત્યાં પાણી નિકાલ થતો નથી આ વિસ્તારોમાં ગટરો છલકાતી હોય બારેમાસ પાણી ભરાવવાનો પ્રશ્ન વેપારીઓને સતાવે છે. સુદામા ચોક પાસે સાંઢિયા ગટરના પાણી નિકાલ ઉપર નાનો પુલીયુ હતું. જે આજે બુરાય ગયું છે ઝવેરી બજારમાં નવા રોડ બનાવતા પહેલા ખોદકામને બદલે જૂના રોડ ઉપર ડામર પાથરી દેવાતા રોડ લગભગ દુકાનના લેવલ સુધી થઇ ગયાં છે. જેના કારણે ચોમાસામાં દુકાનમાં પાણી ઘુસી જાય છે.દરબાર ગઢથી પંચહાટડી સુધી ઢાળ છે. આ વિસ્તારનું પાણી શીતળા ચોક સુધી ખાડમાં જાય છે. વીરડી પ્લોટમાં પાણી ભરાવવાનો કાયમી પ્રશ્ન છે. ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પાણી નિકાલની ઉપર છલ્લી તૈયાર કરાય છે. કાયમી પાણી નિકાલનો પ્રશ્નનો કોઇ વિચાર કરતુ નથી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
