<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

વિવાદિત લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરીને હાઈકોર્ટની ફટકારઃ જામીન અરજી પાછી ખેંચો નહીં તો ૫ લાખથી વધુનો દંડ

પોલીસ થઈને બુટલેગરને સેફ પેસેજ આપતા હતા? પોલીસ ટીમ ઉપર જીપ ફેરવતી વખતે રોકી પોલીસને મદદ કેમ ન કરી?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૪: પોતાની ગ્‍લેમરસ અદા અને સ્‍ટાઈલ ને કારણે સોશ્‍યલ મીડિયા દ્વારા ચર્ચામાં રહેલ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરી વોન્‍ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા બન્ને થાર જીપમાં દારૂ સાથે ઝડપાયાᅠ તેમ જ પોલીસ ટીમ ઉપર જીપ ફેરવી કચડી નાખવાના પ્રયાસ બાદ આ પ્રકરણ રાજયભરમાં ગાજી રહ્યું છે. પોલીસ ટીમની હત્‍યાના પ્રયાસના ગુના અંગે ભચાઉ સેશન્‍સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરાતા નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી. એટીએસ દ્વારા તેને બુટલેગર રાજેન્‍દ્રસિંહ જાડેજા ના સાસરિયે ભલાગામડા (લીંબડી) થી ઝડપી જેલ હવાલે કરાયા બાદ તેણે હાઇકોર્ટ માં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી કરતા હાઇકોર્ટ ના જજ નિર્ઝર દેસાઈએ કહ્યું હતું કે, અરજદારના જામીન રદ્દ કરવાનો નિર્ણય યોગ્‍ય છે. જો આ અરજી પરત લેવામાં નહીં આવે તો કોર્ટ રૂ. ૫ લાખથી વધુનો દંડ ફટકારશે. કોર્ટે આરોપી નીતા ચૌધરી ઉપરના આરોપોને ગંભીર ગણાવતા કહ્યું હતું કે, જો અરજદાર નિર્દોષ હતા તો ભાગી શું કામ ગયા? પોલીસ થઈને આરોપીને સેફ પેસેજ આપતાં હતાં? કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પોલીસ હોવા છતાંયે બુટલેગરની મદદ કેમ કરી? પોલીસ ગાડીને ટક્કર મારી પોલીસ કર્મીઓ ને મારી નાખવાની કોશિશ કરી હતી. ગુનેગારને રોકીને પોલીસની મદદ કરી શકાતી. આમ હાઈકોર્ટે આકરા તેવર દર્શાવ્‍યા હતા.

 આ સમગ્ર બનાવ ગત ૩૦ જૂન ના બન્‍યો હતો. બનાવની વિગતો પ્રમાણે કુખ્‍યાત વોન્‍ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડતી વખતે તેની સાથે થાર જીપમાં સીઆઈડી ક્રાઈમની હેડ કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરી પણ દારૂ બિયર સાથે ઝડપાઈ હતી. આ સમયે બુટલેગર દ્વારા પોલીસ ટીમ ઉપર થાર જીપ ચલાવી કચડી નાખવા પ્રયાસ કરાયો હતો. આ જીપમાં આ વખતે બુટલેગર સાથે લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરી હતી. પૂર્વ કચ્‍છ પોલીસે બન્ને ઉપર દારૂબંધી તેમ જ પોલીસ ટીમ ની હત્‍યાના પ્રયાસ નો ગુનો દાખલ કર્યો હતો.ᅠ નીતા ચૌધરી ના સોશ્‍યલ મીડિયામાં વાયરલ ફોટામાં આ સફેદ થાર જીપ હોઈ એની માલિકી નો મુદ્દો ચર્ચામાં આવ્‍યો હતો. ગ્‍લેમરસ લાઇફ જીવતી લેડી કોન્‍સ્‍ટેબલ પરિણીત છે અને તેના પતિ તેમ જ પુત્ર બનાસકાંઠામાં રહેતા હોવાની વાત પણ ચર્ચામાં આવી હતી. જોકે, તેની બુટલેગર યુવરાજસિંહ જાડેજા ઉપર ઘણા ગુના દાખલ હોવાનું તેમ જ તે ૫ ગુનામાં વોન્‍ટેડ હોવાનું પણ પોલીસ રેકર્ડમાં જણાવાયું હતું. આ બનાવ બાદ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરીને સસ્‍પેન્‍ડ કરાઈ હતી. જોકે, એક લેડી કોન્‍સ્‍ટેબલ તેમ જ વોન્‍ટેડ ગુનેગાર વચ્‍ચેની ભાઈબંધી એ સતત ચકચાર, ચર્ચા અને સવાલો સર્જયા છે.

(11:25 AM IST)