તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
કુદરતી આફતોમાં નાગરીકોની સલામતી માટે રાજય સરકાર સજ્જઃ ભૂપેન્દ્રભાઇ
મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું: જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

(કૌશલ સવજાણી-વિનુભાઇ સામાણી દ્વારા) ખંભાળીયા-દ્વારકા,તા. ૨૩: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
મુખ્યમંત્રીની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ,કલેકટર જી.ટી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
