<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કાર ચાલકે અચાનક દરવાજો ખોલતા બાઇક ભટકાતા સિવિલ એન્‍જીનીયરનું મોતઃ ઝાલાવડમાં ૪ અકસ્‍માતઃ બે મોત

વઢવાણ,તા.૨૬: સુરેન્‍દ્રનગર જિલ્લામાં અકસ્‍માતના ૪ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

સાયલા તાલુકાના વડીયા ગામે રહેતા ઈશ્વરભાઈ જગમાલભાઈ દુમાદીયા અને મેહુલ દેવજીભાઈ સોલંકી ચૂડા તાલુકાના કોરડા ગામે ખાતર લેવા ગયા હતા. જયાંથી બન્ને બાઈક પર પરત ફરતા હતા. આ સમયે  રસ્‍તા પર અચાનક રોઝ આડુ ઉતરતા અકસ્‍માત સર્જાયો હતો.જેમાં સારવાર દરમિયાન ઈશ્વરભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ સોમાભાઈ દુમાદીયાએ ફરિયાદ નોંધાવી છે.

સુરેન્‍દ્રનગરની સર્વોદય સોસાયટીમાં રહેતા સિવિલ એન્‍જીિનયર કિરીટકુમાર શાંતિલાલ ડગલી બાઈક લઈને ઘર તરફ જતા હતા. ત્‍યારે બ્રહ્મ સોસાયટીમાં ઘર પાસે ઉભેલી કારના ચાલકે દરવાજો ખોલતા બાઈક કાર સાથે અથડાયુ હતુ. જેમાં કિરીટકુમારને ગંભીર ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલ લઈ જવાયા હતા. જયાં તેઓનું અવસાન થયુ હતુ. બનાવની મૃતકના પુત્ર મીકીનભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ. એસ. જાડેજા ચલાવી રહ્યા છે.

સુરેન્‍દ્રનગરના આંબેડકર ચોક નજીક રહેતા રાજેશભાઈ વેગડાની દિકરી ૧૭ વર્ષીય તન્‍વી અને તેમના ભત્રીજાની દિકરી ૧૩ વર્ષીય વૈભવી સાયકલ લઈને મહેંદીના કોન લેવા જતા હતા. ત્‍યારે માંડવરાયજી પેટ્રોલપંપ સામે એક અજાણ્‍યા બાઈક ચાલકે બન્નેને અડફેટે લીધા હતા. જેમાં તન્‍વી અને વૈભવીને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.વધુ તપાસ બીટ જમાદાર નરેન્‍દ્રસીંહ ગોહીલ ચલાવી રહ્યા છે.

જામનગરના મોરકંડા રોડ પર આવેલ નવાજ સોસાયટીમાં રહેતા મહમદયુસુફભાઈ સુલેમાનભાઈ મજગુલ ટ્રક ડ્રાઈવીંગ કરે છે.તેઓ જામનગર રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝમાંથી ટ્રકમાં સલ્‍ફર ભરીને મહારાષ્ટ્રના બોઈસર જતા હતા. ત્‍યારે ચોટીલા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતા ડમ્‍પરના ચાલકે અકસ્‍માત કર્યો હતો. આ અકસ્‍માતમાં ટ્રકને નુકસાન થયુ હતુ. બનાવની ચોટીલા પોલીસ મથકે અજાણ્‍યા ડમ્‍પર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડી.એચ.ચાવડા ચલાવી રહ્યા છે.

(12:06 PM IST)