<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કારગિલ વિજયની અતિશય કપરી પરિસ્‍થિતિના વર્ણન સાથે જામનગરની સત્‍યસાંઇ વિદ્યાલયમાં કારગિલ વિજય દિવસની ઉજવણી

જામનગર, તા. ર૬ : કારગિલ વિજય દિવસની રજત જયંતિ આ વર્ષે ઉજવાઇ રહી છે. ભારતનાં વીર સેનાનીઓએ કારગિલ યુધ્‍ધ વખતે પ્રાણોની આહુતિ આપીને જે રીતે ભારતને ઐતિહાસિક વિજય અપાવ્‍યો હતો તે ક્ષણોનાં પ્રત્‍યક્ષ સાક્ષી બનેલા બે સેનાનીઓને ૮ (આઠ) ગુજરાત નેવલ યુનિટ એનસીસી તથા શ્રી સત્‍યસાંઇ વિદ્યાલય દ્વારા ગઇકાલે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.

બાલાચડી સૈનિક સ્‍કુલનાં પ્રવર્તમાન આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા (કારગિલ વોર વેટરન) અને સેવા નિવૃત નાયબ સુબેદાર દિનેશ કટારિયા દ્વારા નેવી તથા આર્મીનાં કેડેટર્સને કારગીલ યુધ્‍ધની વીરતાભરી ક્ષણોની ઝાંખી કરાઇ હતી.

કર્નલ શ્રેય મહેતા ૧ર જુન ૧૯૯૯માં ઇન્‍ડિયન મિલીટરી એકેડમીમાંથી આર્મી એકયુકેશન કોર્ષમાં કમિશન પ્રાપ્ત કર્યા બાદ તુરત જ ૪ જાટ રેજિમેન્‍ટમાં લેફનન્‍ટ તરીકે નિયુકિત પામી કારગિલમાં ઓપરેશન વિજયમાં ભાગ લીધો હતો. કાકસરમાં તેમની રેજિમેન્‍ટ દ્વારા બજરંગ પોસ્‍ટ રિકેપ્‍ચર કરવામાં આવી હતી.

નાયબ સુબેદાર દિનેશ કટારિયા (સેવા નિવૃત્ત) કારગિલ યુધ્‍ધ સમયે સિક્કિમમાં પાયોનિયર યુનિટમાં ફરજ પર હતા. તેમના યુનિટને તાત્‍કાલિક અસરથી રાતો-રાત જમ્‍મુ-કાશ્‍મીર જવાનો આદેશ મળેલો. કારગિલ યુદ્ધમાં જમ્‍મુ-કાશ્‍મીરની મોસ્‍કો વેલીમાં મહાર રેજિમેન્‍ટ સાથે જોડાઇ તેમની યુનિટે વીરતાનું પ્રદર્શન કર્યુ હતું.

આ બંને જાંબાજોએ ઓપરેશન વિજયની સંવેદનશીલ અને અતિશય કપરીની પરિસ્‍થિતિને વર્ણવી, એનસીસી કેડેટસને સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. ૮ (આઠ) ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આ બંને વીર સેનાનીઓને મોમેન્‍ટો અને શાલથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍કુલ મેનેજમેન્‍ટ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે એનસીસી કેડેટસ માટે યોજાયેલી પોસ્‍ટર મેકીંગ સ્‍પર્ધામાં વિજેતાઓને પારિતોષિક આપી સન્‍માનિત કરાયા હતા.

સત્‍યસાંઇ વિદ્યાલયના ચેરમેન, વીંગ કમાન્‍ડર મહારાજા જામસાહેબ શત્રુશલ્‍યસિંહજી દિગ્‍વિજયસિંહજી જાડેજાનાં ભારતીય સેના પ્રત્‍યેના અનુલ્‍ય પ્રેમ અને સહકારથી શ્રી સત્‍યસાંઇ વિદ્યાલયમાં આર્મી તથા નેવીના કેડ્‍્‌ેટસ નેતૃત્‍વ, સેવા-સમર્પણ, એકતા અનુશાસનનાં ગુણો જીવનમાં ઉજાગર કરી રહ્યા છે. (તસ્‍વીરઃ અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:22 PM IST)