તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 26th July 2024
પોરબંદરમાં પાણીના નિકાલ માટેનો ૪૬પ હોર્સ પાવરના ૧૧ પમ્પો કાર્યરત : અર્જુનભાઇ મોઢવાડિયા
જયાં જરુર પડશે ત્યાં વધુ પાણી નિકાલ માટેના પમ્પ મુકાશે : ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગયેલ નથી : પાણીના પ્રશ્નનો નિકાલ થાય છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : પોરબંદરમાં ભારે વરસાદ બાદ ભરાયેલ પાણીના નિકાલની માહિતી આપતા ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ૧૮ થી ૨૨ જુલાઈ વચ્ચે ૩૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં પણ એક જ રાત્રીમાં લગભગ ૨૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પડેલ વરસાદનું પાણી આવ્યું જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટે અત્યારે ૪૬૫ હોસપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત છે. પક્ષી અભ્યારણની બાજુમાં જે પંપીંગ સ્ટેશન છે તેમાં ૫૦ હોસપાવરનો ૧ પંપ, ૩૦ હોસપાવરનો ૧ પંપ અને ૧૫ હોસપાવરનો ૧ પંપ કાર્યરત છે.
કામદાર કલ્યાણ કેન્દ્રની સામે બીરલા રોડ ઉપર પંપીંગ સ્ટેશન ખાતે ૫૦ હોસપાવરના ૪ પંપ કાર્યરત છે. જેમાં નીરમા કંપનીનો પુરતો સહયોગ મળ્યો છે. કંપનીની કંપાઉન્ડ વોલમાં હોલ કરીને કંપનીના પાણી ડીસ્ચાર્જ માટેની જે કેનાલ છે એમાં આ ચારે પંપના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કેમિકલની બાજુમાં ફેક્ટરીએ પોતાના બે ૫૦ હોસપાવરના ૨ પંપ કાર્યરત કરેલ છે. એવી રીતે ૪૬૫ હોસપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત કરેલ છે. આ ઉપરાંત ૩૫ હોસપાવરના બે પોર્ટેપલ પંપ કાર્યરત કરેલ છે, જેને જ્યાં જરૂર પડે ત્યાં કાર્યરત કરવામાં આવે છે. તેમ ધારાસભ્ય અર્જુનભાઇએ જણાવેલ છે.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે જે આયોજન કરેલ છે તેમાં ઘણું કામ પૂર્ણ થયેલ છે અને બાકીનું કામ પ્રગતિ ઉપર છે. તેનો ડીસ્ચાર્જ કરવા માટે ૫૦ હોસપાવરના ચાર પંપ અમદાવાદથી મંગાવેલ છે, જે ઝડપથી પોરબંદર પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. એટલે આના આના નિષ્ણાંતો છે તેમને વાત કરી છે તે પ્રમાણે જો કોઈ વધારે વરસાદ ન આવે તો આવતીકાલે સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારમાં પાણીનો નિકાલ કરી શકીશું
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે બોખીરા વિસ્તારમાં બે બાજુથી નેવીએ હિસ્સો કવર કરેલ છે. જેના કારણે ત્યાંથી પાણી નિકાલ થતો હતો તે અવરોધાયેલ છે, આ માટે નેવી સાથે સંકલન કરીને પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આ ઉપરાંત બોખીરામાં નેશનલ હાઈવેના બન્યો તેના કારણે ઘણા વહેણ બ્લોક થયેલ છે. આ માટે રાજ્ય સરકારને સાથે રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યા છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એક ગેરસમજણ પ્રવર્તે છે કે ભુગર્ભ ગટર નિષ્ફળ ગઈ તેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ વાત તદ્દન સત્યથી વેગળી છે. ભુગર્ભ ગટરનું કામ ઘરની દૈનિક વાપરાશના પાણીના નિકાલ માટે હોય છે, વરસાદના પાણીનો નિકાલ તેના ડીઝાઈન સાથે શૂસંગત નથી.વરસાદી પાણીના નિકાલ માટે અલગ ડ્રેનેજ લાઈન હોય છે, જેની વ્યવસ્થા પોરબંદરમાં કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે વરસાદ લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા તે માટે સફાઈની પણ જરૂરીયાત પડવાની છે, આ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર સાથે વાત કરેલી, એટલે રાજકોટ મહાનગર પાલિકાના ૮૦ સફાઈ કર્મચારીઓની ટીમ તમામ જરૂરી સાધનો સાથે પોરબંદર આવી રહી છે. આ ટીમ સ્થાનિક નગરપાલિકાની ટીમ સાથે મળીને દવા છાંટવાથી લઈને સફાઈ સુધીની કામગીરી સંભાળશે. આ ઉપરાંત સ્થાનિક નગરપાલિકા પણ વધારાના લોકોની જરૂર પડશે તેમને રાખીને કામગીરી પૂર્ણ કરશે. આ માટે જરૂરી વધારાના વાહનો અત્યારે ભાડે રાખી ઉપયોગ કરાઈ રહ્યો છે. આ માટે જે વધારાનો ખર્ચ થાય તે તમામ ખર્ચ રાજ્ય સરકારે ચુકવવાની ખાતરી આપી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
