News of Monday, 29th July 2024
ફિલ્મ દ્રશ્યમ જેવી મર્ડર મિસ્ટ્રી : ૧૮ લાખ પાછા ન આપવા પડે તે માટે મોરબીના વેપારીને મિત્રએ જ પતાવી દિધો'તો
એક મહિના પૂર્વેની મર્ડરમિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો : પરિવારજનો જેને ગૂમ માનતા હતા તેની દાટી દેવાયેલી લાશ મળતા ચકચાર : મિત્ર જીતુ કૈલાની હત્યા કર્યા બાદ આરોપી જીતુ ગજીયાએ તેના જ કપડા પહેરી તેનું બાઇક માંડલ લઇ જઇ મોબાઇલમાંથી પરિવારજનોને વોટ્સએપ મેસેજ કરી જીતુ કૈલા બની મોરબી છોડવાની જાણ કરી'તી ! : પકડાયેલ આરોપી જીતુ ગજીયા અગાઉ જેતપુરના ડોકટર પુત્રના અપહરણ - હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજામાં જામીન પર બહાર હતો'ને રૂપિયા માટે મિત્રને પતાવી દિધો : મોરબી એલસીબીના પી.આઇ. પંડયા તથા એ-ડિવિઝનના પી.આઇ. એચ.એ.જાડેજાની ટીમે રહસ્યમય ઘટનાનો પર્દાફાશ કર્યો : પકડાયેલ આરોપી જીતુ ગજીયાએ દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ મિત્રને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હત્યાનો પ્લાન ઘડયો'તો : આરોપી સામે હત્યાનો ગુન્હાની કલમનો ઉમેરો કરી વધુ રીમાન્ડ મંગાશે

આરોપી જીતુ ગજીયાની ફાઇલ તસ્વીર : હત્યાનો ભોગ બનનાર જીતુ કૈલાની તસ્વીર : પીઆઇ : એચ.એ.જાડેજા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબીમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં આ ફિલ્મમાં પોલીસ આરોપી અને મૃતક સત્ય પાત્રો છે. હા આ વાત છે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની જેમાં એક માસથી ગુમ યુવકની હત્યાનો પર્દાફાશ કર્યો છે અને આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે.
આ વાત છે એક મહિના પહેલા તા.૨૦ જુનના રોજ ગુમ થયેલ જીતેન્દ્ર કૈલા નામના યુવકની જે ગુમ થયાની હળવદ પોલીસમથકમાં તેના ભાઈ દ્વારા ગુમશુદા કરવામાં આવી હતી. સમય જતા જતા આ બનાવ મોરબી શહેર એ ડિવિઝન વિસ્તારનો હોય અરજી ટ્રાન્સફર કરવામાં આવી અને બાદમાં આ તપાસમાં પરિવારજનો દ્વારા પોલીસને યુવકની હત્યાની શંકા વ્યક્ત કરી હતી જેના પગલે મોરબી ક્રાઇમ બ્રાન્ચથી લઇ મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ આ કોકડું ઉકેલવા કામે લાગી ગઈ હતી. આ ઘટનામાં પરિવારજનો દ્વારા તેના અંગત મિત્ર જીતેન્દ્ર આયદાંનભાઈ ગજીયા પર શંકા ની સોય તાકવામાં આવી હતી.ᅠ
જેના પગલે એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા અને ઈન્ચાર્જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.પંડ્યા ની ટીમ પણ ખડેપગે રહી આ યુવકની હત્યા થઈ છે કે અપહરણ તેના આધારે તપાસ હાથ ધરતા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સુધી આ ઘટનાની જાણ થતાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ આ બનાવમાં અપહરણની કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યા હતા. આ બાદ મૃતક યુવક જીતેન્દ્ર કૈલાના ભાઈએ જીતેન્દ્ર ગજીયા નામના વ્યક્તિ વિરૂદ્ધ નામજોગ અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી બાદમાં પોલીસને કામગીરી કરવાની પ્રથમ મોકો મળ્યો હતો.
મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજાની ટીમ દ્વારા તપાસ શરૂ કરતાંની સાથે જ આરોપીએ દૃશ્યમ મૂવી જેવી ફિલ્મી કહાની ઘડી હતી અને પોલીસને પણ જીતુ ગાજિયા સાચું બોલે છે તેવો થોડો વિશ્વાસ આવી ગયો પરંતુ અચાનક એક ઓછી એક એવા પુરાવા હાથે લાગ્યા જેને લેઈને પોલીસે જીતુ ગજીયા એ જ હત્યા કરી છે અને મૃતદેહ નો નિકાલ કરી દિધો હોવાની શંકા પ્રબળ હતી પરંતુ હત્યાના ગુના માટે મૃતદેહનો પુરાવો જરૂરી હતો પોલીસને આરોપી એ બે દિવસ સુધી ગ્લલા તલ્લાં કર્યા બાદ અંતે પોલીસની આકરી પૂછપરછ બાદ રીઢા ગુનેગાર જીતેન્દ્ર ગજીયા એ હત્યા કર્યાની ચોંકાવનારી કબૂલાત આપી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે તેના મિત્ર જીતુ કૈલા નામના યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી છે અને પોતે જ જીતુ કૈલા બની તેના કપડાં પહેરી તેનું બાઈક લઇ માંડલ જઈને મોબાઇલ માંથી યુવક માં પરિવારજનો ને વોટ્સ એપ મેસેજ કરી પોતે જીતુ કૈલા બની મોરબી છોડવાની જાણ કરી હતી બાદમાં પોતાની ઓફીસ પર આવી તેની કાળા કલરનો સ્કોર્પિયો કારમાં જીતુ કૈલાના મૃતદેહ ને કોથળામાં નાખી મોરબીના માણેકવાડા ગામ નજીક ખેતર નજીક બનાવેલ પાણી નિકાલ ની જગ્યામાં મૃતદેહને બોક્ષમાં પેક કરી ને દાટી દીધો હતો હતો મોરબી પોલીસે જીતેન્દ્ર કૈલા નામના યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ શોધી કાઢ્યો હતો અને મૃતદેહ ને ફોરેન્સિક પી એમ માટે ખસેડી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ᅠઆરોપી ને મૃતકે એક વખત ૧૦ લાખ અને એક વખત ૮ લાખ એમ કુલ ૧૮ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા મૃતકે પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી.
આરોપી અગાઉ પણ આવા પ્રિ પ્લાન હત્યામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.આ હત્યા માં પકડાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા અગાઉ પણ જેતપુરમાં ડોકટર ના પુત્રના અપહરણ અને હત્યાના ગુનામાં આજીવન કેદ ની સજા ભોગવી રહ્યો છે.જેમાં ડોકટરના પુત્ર ની હત્યા કરી ડીવાયએસપી ના મકાન ના ટાંકા માં મૃતેદેહ ને નાખી દિધો હતો અને આ હત્યાકાંડ દ્વારા પણ સૌરાષ્ટ્ર માં ચકચારી જગાવી હતી જો કે આ આરોપી બાર વર્ષ જેલમાં રહ્યા બાદ હાલ આરોપી જીતેન્દ્ર ગજીયા જામીન પર બહાર હતો ત્યારે બીજો ગુનો આચર્યો છે આરોપીએ ગુનાને દ્રશ્યમ ફિલ્મ ની જેમ સ્ક્રિપ્ટેડ રીતે અંજામ આપ્યો છે જો કે મૃતક જીતેન્દ્ર કૈલા ના પરિવારજનો ને શંકા પડતા પોલીસને સમગ્ર હકિક્કત જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી હાલ મોરબી પોલીસે આ ચકચારી મચાવનારા હત્યાકાંડ ને પર્દાફાશ કરી ફિલ્મ અને રિયલ લાઇફ વચ્ચે મોટી ભેદરેખા છે એ સાબિત કરી દીધું છે.
દરમિયાન પકડાયેલ આરોપી જીતુ ગજીયાની સાથે હત્યાની કલમનો ઉમેરો કરી તેને વધુ રીમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ બનાવે મોરબી પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
