News of Monday, 29th July 2024
વિઠ્ઠલભાઇ રાદડીયાની પાંચમી પુણ્યતિથી : ગામે-ગામ સેવાકાર્યોનો ધમધમાટ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૨૯ : સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કર્યુ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા તેવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને ગુજરાતની સીમાઓ પાર ૧૦૦ થી પણ વધારે સ્થાનો પર વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનો દવારા મહારકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, શાળાના બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ દિવ્યાંગોને ભોજન, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ ગૌમાતાને ખોળદાળ તથા નિરણ ખવડાવી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી સેવા કાર્યોની શુભ શરૂઆત કરી હતી. કન્યા વિદ્યાલય ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રકતદાતાઓ તાલુકાભરના આગેવાનો લોકોની ઉપસ્થિતિમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પિતાશ્રી હંસરાજબાપા રાદડીયા તથા જયેશભાઈ રાદડીયા તેમજ આગેવાનોએ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને દિપ પ્રાગટય કરી તેમજ પુષ્પાંજલી અર્પણ કરી સર્વરોગ નિદાન કેમ્પ અને મહારકતદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જયેશભાઈ રાદડીયા, લલીતભાઈ રાદડીયા, રાજુભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, ગૌતમભાઈ વ્યાસ, આશિષભાઈ કોયાણી,ખીમજીભાઈ બગડા, ધનજીભાઈ બાલધા, મોહનભાઈ કથીરીયા, કરણસિંહ જાડેજા, હરસુખભાઈ પાનસુરીયા, સહિતના તાલુકાના આગેવાનો, સરપંચો, યુવાનો તેમજ તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજરી આપી રકતદાન કરી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી આપી હતી.
સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને તપાસી વિનામુલ્યે દવાઓ આપવામાં આવી હતી જેનો પણ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો જામકંડોરણાના વિવિધ ગામોની શાળાઓમાં વિવિધ સંસ્થાઓ દવારા વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શાળાના બાળકોને બટુક ભોજન, પુસ્તકો, ચોપડા, બોલપેલ, શૈક્ષણિક કિટ વિતરણ કરી વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
