<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

વાંકાનેર બાયપાસનો પુલ બેસી જતા અવર-જવર બંધઃ જીતુભાઇ સોમાણીની મુખ્‍યમંત્રીને રજૂઆત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. શહેરમાં બાયપાસ ઉપર આવેલ મચ્‍છુ નદી ઉપર ર૪ વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ ઉપરથી સતત હેવી વાહનોની અવર-જવરને કારણે પુલ નબળો પડી જતા મધ્‍ય ભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનેલા આ પુલ ઉપરથી તાકીદની અસરથી માટી ઠાલવી દઇ વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે, સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી ગાંધીનગર વળી કચેરીને રિપોર્ટ કરવામાં આવતા હવે ગાંધીનગરની ટીમ પુલની ચકાસણી કરી આગળનો નિર્ણય લેનાર હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.

આ અંગે વાંકાનેર-કુવાડવા વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને જણાવ્‍યું છે કે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ પાસેથી નેશનલ હાઇવે ને જોડતા બાયપાસ રોડ પર મચ્‍છુ નદી પર આવેલ બ્રીજ એકા એક ડેમેજ થયેલ છે. બ્રીજનો એક ગાળો બેસી ગયેલ છે. આ બ્રીજ જીવાદોરી સમાન છે અનેક ઉદ્યોગો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં જવા માટે એક માત્ર રોડ છે આ રોડ બંધ થવાથી હવે પછી વાંકાનેર સીટી વિસ્‍તારમાંથી અવર-જવર કરવી પડશે સીટી વિસ્‍તારમાં પણ ટ્રાફીકની સમસ્‍યા ઘણી વિકટ છે હાલ ભારે વાહનની સીટી વિસ્‍તારમાંથી અવર-જવર બંધ કરેલ છે. પરંતુ આ બ્રીજ ડેમેજ થવાથી ના છૂટકે બધો જ ટ્રાફિક સીટી વિસ્‍તારમાં થશે. આ બાયપાસ રોડ જામનગર - ટંકારા - મોરબીને જોડતો રોડ હોય આ વિસ્‍તારમાં અવર-જવર કરતા વાહનો પણ વાંકાનેર સીટી વિસ્‍તારમાંથી પસાર થશે. અને સીટીમાં ગંભીર ટ્રાફીક સમસ્‍યાનો સામનો કરવો પડશે. આ બાબતના કાયમી ઉકેલ લાવવા માટે રાતીદેવળી ગામથી જે બાયપાસ રોડ બનાવેલ છે. તેને જો ડબલ લાઇન કરવામાં આવે અને હાલ જે મચ્‍છુ નદી પર આવેલ બ્રીજ ડેમેજ થયેલ છે. તેનું રીનોવેશન કરવામાં આવે અને બાજુમાં એક નવો બ્રીજ બનાવવામાં આવે તો આ વિસ્‍તારની સમસ્‍યાનો કાયમી ઉકેલ આવશે તો આ વિસ્‍તારના પ્રશ્નનું કાયમી નિવારણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીએ માંગણી કરી છે.

(12:03 PM IST)