News of Monday, 29th July 2024
પોરબંદર જિલ્લામાં પાકને નુકસાનીનું વળતર ચુકવવા બાબુભાઇ બોખીરીયાની મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદર તા.૨૯: જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોના પાકોને થયેલ નુકશાનીનું સર્વે કરાવી વળતર ચૂકવવા બાબતે પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોએ કરેલ વાવેતરનો મોટો હિસ્સો નાશ પામતા ખેડૂતોને અસહય આર્થિક નુકશાન થવા પામેલ છે. ખેતીવાડી અધિકારી પોરબંદર પાસેથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં આશરે ૧૦૯૭૧૩ હેકટર વિસ્તારમાં ખરીફ સીઝનનું વાવેતર થયેલ છે. જેમાં મુખ્યત્વે, મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આશરે ૧૦૯૭૧૩ હેકટર વિસ્તારમાં થયેલ ખરીફ સીઝનના વાવેતર પૈકી પોરબંદર તાલુકામાં ૫૬૯૭૮ હેકટર, રાણાવાવ તાલુકામાં ૨૨૨૪૦ હેકટર અને કુતિયાણા તાલુકામાં ૩૦૪૯૫ હેકટર વિસ્તારનો સમાવેશ થાય છે. જિલ્લાના ૧૫૨ ગામોમાં થયેલા ખરીફ સીઝનના કુલ વાવેતર પૈકી પોરબંદર તાલુકાનો ૨૭૧૦૦ હેકટર, રાણાવાવ તાલુકાનો ૧૮૫૦૦ હેકટર અને કુતિયાણા તાલુકાનો ૨૪૦૦૦ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થવા પામેલ છે.
જિલ્લામાં થયેલા અતિભારે વરસાદના કારણે કુલ વાવેતર પૈકી અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકોની નુકશાનીનો સાચો અંદાજ ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ જ મેળવી શકાય તેમ છે. હાલ નુકશાનીના વળતરનો સર્વે કરવા માટે ખેતરોમાં જવું અશકય છે. તેમ બાબુભાઇ બોખીરીયાએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
