<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પોરબંદરની રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજનું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સાથેનું જોડાણ રદ કરવા માંગણી

પૂર્વ પ્રિન્‍સીપાલ એન.જે.મકવાણા દ્વારા રાજ્‍યના શિક્ષણ સચિવને રજુઆત

પોરબંદર,તા. ૩૦: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં મર્જ થયેલી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ-પોરબંદરને મર્જમાંથી રદ કરી ફરી સ્‍વતંત્ર બનાવવા તેમજ રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજને જીસીઆરટીના સંચાલન અને જોડાણમાંથી રદ કરી ઉચ્‍ચ શિક્ષણ કમિશનર (કોલેજ બ્રાંચ) કચેરીના સંચાલન અને જોડાણ તથા રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજને પુનઃમુળ મકાન એટલે કે દરિયા મહેલમાં ચાલુ કરવા બાબતે આરજીટી કોલેજના પૂર્વ પ્રિન્‍સીપાલ એન.જે.મકવાણાએ રાજ્‍યના શિક્ષણ સચિવને  રજુઆત કરી છે.

રાજ્‍ય સરકાર સંચાલિત શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કાર સાથે શ્રેષ્‍ઠ શિક્ષકોનું ઘડતર કરતી સૌરાષ્‍ટ્ર સઞિત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં આદરણીય સ્‍થાન ધરાવતી આરજીટી કોલેજ પોરબંદર ૧૯૫૫ થી ૨૦૧૮ સુધી ચાલતી હતી. પોરબંદર સ્‍ટેટના તત્‍કાલીન રાજવી મહારાજા નટવરસિંહજીએ પોતાની માતા રામબાની સ્‍મૃતિમાં શિક્ષણના હેતુસર પોતાનો ૮૩ એકર જમીન સાથેનો રાજમહેલ આપી ૧૯૫૫ થી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ શરૂ કરાવી હતી. જેમાં બીએડ અને એમએડના અભ્‍યાસક્રમ ચાલુ હતા.

આરજીટી કોલેજ વિદ્યાર્થીની સંખ્‍યાના અભાવે કે સ્‍ટાફની નબળાઇના કારણે કે બીજા કોઇ કારણ સદંતર બંધ કરવી પડે તેવી પરિસ્‍થિતી કયારેય ઉભી થયેલી ન હતી. તેમ છતાં હાલ રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજનું અસ્‍તિત્‍વ નથી જે દેખાય છે તે રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે જેમાં રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ મર્જ થઇ ચુકી છે. મર્જ થવાનો અર્થ જુનું બધું બંધ કરી નવા નામમાં ભેળવી દેવું. આથી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ કે જે આરજીટીના નામથી પણ પ્રખ્‍યાત હતી તેના નામે હવે થતી વાતો ભુતકાળ બની ગઇ કે બનાવાઇ ગઇ લાગે છે.

પરંતુ આવા અકુદરતી ફેરફાર માટે આરજીટી કોલેજ તરફથી કોઇ કારણો જ ન હતા. આમ છતાં આવું કેમ અને કોની બેદરકારીથી બન્‍યુ તે તપાસ નો વિષય કહેવાય. ભુલભરેલ હુકમોમાં ઉલટો ફેરફાર થાય અને કોલેજનો આત્‍મ પુનઃજાગૃત થાય તેવી માંગણી રાજ્‍યના શિક્ષણ સચિવને રજુઆતમાં કરવામાં આવી છે.

(10:10 AM IST)