News of Tuesday, 30th July 2024
વાંકાનેરના જોધપર પાસે દેશી દારૂનો જથ્થો ભરેલ બે કાર સાથે ત્રણ શખ્સો પકડાયા
પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવા પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી : દબોચી લીધાઃ એક શખ્સ નાસી છુટયોઃ બ્રેઝા કાર સહીત ૧ર,૭ર૪ લાખનો મુદામાલ કબ્જે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૩૦ : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂ ભરેલ કારનું પાયલોટીંગ-રેકી કરતી એક બ્રેઝા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી પાછળ દેશી દારૂ ભરી આવતી હ્યુન્ડાઇ એકસેન્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામમાંથી પોલીસે કારને રોકાવી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર, તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય જેના આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવતા દેશી દારૂ ભરેલ કાર માટે પાયલોટીંગ-રેકી કરતી એક બ્રેઝા કાર નં. જીજે ૩૬ એજે ૯૪ર૧ ને રોકી આરોપી અજયભાઇ જાદવભાઇ મેર (ઉ.વ.ર૩, રહે. નાળીયેરી, તા. ચોટીલા) અને હર્ષદભાઇ અનકભાઇ ધાંધલ (ઉ.વ.૩૪, રહે. જાનીવડલા, તા. ચોટીલા)ને ઝડપી લીધા હતા.
જયારે આ બેઝા કાર પાછળ આવતી હ્યુન્ડાઇ એકસેન્ટ કાર નં. જીજે ૦૩ કેપી ૦૯પ૯ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતા કારને જોધપર ગામ તરફ ચલાવી મુકતા પોલીસે ખાનગી ગાડીમાં ફિલ્મી ઢબે પીછો કરી જોધપર ગામ ખાતે પહોંચતા કાર ચાલકે પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કારને કોર્ડન કરી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને પપ૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જયારે આ કારમાં સવાર અન્ય આરોપી કીશન ભીખુરામ વાઘાણી (રહે. રાજકોટ) અંધારાનો લાભ લઇ નાસી છુટયો હતો. જેથી પોલીસે આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા બે અન્ય આરોપી સહીત ત્રણેય ઇસમોને દેશી દારૂનો જથ્થો, બે કાર તથા ચાર મોબાઇલ સહીત કુલ રૂા. ૧ર,ર૪,૦૦૦નો મુદામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
