News of Tuesday, 30th July 2024
રાજકોટ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા, ધોરાજી વિસ્તારની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજકોટ તા. ૨૯ જુલાઈ - રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આજે અતિવળષ્ટિગ્રસ્ત ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત ગામલોકો સાથે સંવાદ સાધીને તેમના પ્ર‘ો જાણ્યા હતા તથા તેમના વહેલાસર ઉકેલની ખાતરી આપી હતી.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આજે પ્રથમ ઉપલેટા તાલુકાના લાઠ ગામે પહોંચ્યા હતા. બાદમાં ભીમોરા, તલંગણા, કથરોટા તેમજ ધોરાજી તાલુકાના ચીંચોડ ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ અસરગ્રસ્ત ગામલોકો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નો જાણ્યા હતા તથા તેમના વહેલાસર નિરાકરણ માટે ખાતરી આપી હતી.
આ તકે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગામ લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે, ખેડૂતો તરફથી રાહત સહાય પેકેજની જે માંગણી મળી છે, તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરીને, ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી શકે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ગામ લોકો તરફથી રસ્તા તેમજ ઓવરબ્રિજ સહિતની જે વિવિધ માગણીઓ મળી છે, તેનો પણ વહેલાસર ઉકેલ લાવવા અલગ અલગ વિભાગ સાથે સંકલન કરીને, ઝડપથી કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો કરીશું.
ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ કહ્યું હતું કે, આ પંથક માટે રાજ્ય સરકારે કુલ મળીને રૂપિયા ૧૭૯ કરોડના રોડના કામો મંજૂર કરેલા છે. ઉપલેટા પાટણવાવ વાયા હાડફોડી રોડ મંજૂર થઈ ગયો છે. આ માર્ગ પર આવતા ચાર પુલના કામ પણ મંજૂર થઈ ગયા છે. સમઢિયાળા ભીમોરા રોડ પણ મંજૂર થઈ ગયો છે. ઉપરાંત, લાઠ તેમજ ભિમોરા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા એપ્રોચ રોડના કામો પણ મંજૂરીના તબક્કે છે.
મંત્રીશ્રી સમક્ષ લાઠ તેમજ ભિમોરા ઉપરાંત કુંઢેચ, સમઢિયાળા, હાડફોડી, ચિખલિયા, કાથરોટા, તલંગાણા ગામના સરપંચોએ ગામના પ્રશ્નોને લેખિતમાં રજૂ કર્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, ઉપલેટા પ્રાંત અધિકારી શ્રી જયસુખ લિખીયા, ઉપલેટા મામલતદાર શ્રી એમ.ટી. ધનવાણી, ધોરાજી મામલતદાર શ્રી અલ્પેશ જોશી, ખેતીવાડી ખાતા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, અગ્રણી શ્રી અલ્પેશ ઢોલરિયા વગેરે સાથે જોડાયા હતા.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
