<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

પોરબંદર જિલ્લાની આંગણવાડીઓમાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારીના પગલા

જંતુનાશક દવાઓનો છંટકાવઃ બીમારી અંગે જાગૃતિ માર્ગદર્શન

પોરબંદર,તા. ૩૧: જિલ્લાની ૪૮૯ આંગણવાડીમાં ચાંદીપુરા વાયરસ ફેલાતો અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લાની આંગણવાડીઓમાં ૧૦૫૦૦ બાળકોની વિશેષ કાળજી લેવાઇ રહી છે. જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ જાગળતિ, સર્વેલન્‍સ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્‍યમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોથી એકયુટ એન્‍કેફેલાયટીસ સિન્‍ડ્રોમ કે જેને ચાંદીપુરા ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વધારો જોવા મળેલ છે. આ બિમારી નવજાત શિશુ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં ખાસ જોવા મળે છે. આ બીમારીમાં બાળકોને સખત તાવ, ઉલ્‍ટી ઝાડા, માથાનો દુઃખાવો, ખેંચ, અનિંદ્રા, અમૂક કલાકોમાં કોમા જેવા લક્ષણો જોવા મળે છે. ત્‍યારે પોરબંદર જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણી સૂચનાથી આરોગ્‍ય અધિકારીશ્રી બી.બી. કરમટાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગની ટીમો બનાવી ચાંદીપુરા વાયરસ આગળ વધતો અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રોગના કિસ્‍સામાં રોગ અટકાયતી રસી કે કોઈ વિશિષ્ટ દવાઓ ઉપલબ્‍ધ ન હોવાથી સંક્રમણ રોકવું એ જ એક ઉપાય છે.

જિલ્લા આરોગ્‍ય તંત્ર દ્વારા જિલ્લામાં આ બિમારીનો ફેલાવો અટકાવવા સઘન ઝુંબેશના રૂપમાં વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ સરકારી સંસ્‍થાઓ અને ખાનગી સંસ્‍થાઓ તેમજ ફિલ્‍ડ કક્ષાએ ફરજ બજાવતા કર્મચારીઓને આ બિમારી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે. આ પ્રકારના કોઇપણ શંકાસ્‍પદ કેસ નોંધાય તો તેની તાત્‍કાલિક જાણ કરી સમયસર સારવાર શરૂ કરી દેવા તાકીદ કરાઇ છે.

(9:35 AM IST)