<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

‘છોટી કાશી'ના વિશ્વ વિક્રમી શ્રી બાલા હનુમાન મંદિરનો કાલે ષષ્‍ઠીપૂર્તિ પાટોત્‍સવ

ગમે તેવા કપરા સંજોગોમાં પણ રામ નામનો યજ્ઞ અવિરત : અખંડ રામધુન મંત્રોચ્‍ચાર સાથે સતત ૬૦ વર્ષથી શહેરીજનોની શ્રઘ્‍ધાના પ્રતિકરૂપ આ ધર્મસ્‍થાનમાં કાલે દિવ્‍ય દર્શનનો તેમજ સંઘ્‍યા મહાઆરતીનો ભાવિકોને મળશે લાભ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : ‘ છોટી કાશી'ની ઉપમા ધરાવતાં જામનગર શહેરના તળાવની પાળ પર આવેલા વિશ્‍વ પ્રસિઘ્‍ધ અને વિશ્‍વ વિક્રમી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુનનો ષષ્ઠીપૂર્તિ પાટોત્‍સવ તા.૧ ઓગષ્‍ટના રોજ ઉજવાશે.

નગરના આંગણે તળાવની પાળ પર નયનરમ્‍ય વાતાવરણમાં સતત ૬૦ વર્ષથી રામ નામનો મંત્ર જાપ ગુંજી રહયો છે. આ ધર્મસ્‍થાનમાં પૂ.પ્રેમભિક્ષુજી મહારાજે તા.૦૧-ઓગષ્‍ટ-૧૯૬૪ થી અખંડ રામધુનની ધુણી ધખાવી હતી જેને ભકતજનોનો અભૂતપૂર્વ સહયોગ સાંપડતાં આજ સતત ૬૦ વર્ષથી આ ધર્મયજ્ઞ અવિરત અને ઉત્‍સાહભેર પ્રજવલ્લિત બની રહયો છે.

આ મંદિર પર પરમાત્‍માની એવી અસીમ કૃપા વરસી રહી છે કે, યુઘ્‍ધ - અતિવૃષ્‍ટિ - અનાવૃષ્‍ટિ - વાવાઝોડું - ભૂકંપ કે મહામારીના કપરા સંજોગોના દિવસોમાં પણ અહિં રામ નામ મંત્ર જાપ કદી બંધ રહયો નથી અને એ કારણોસર જ ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં જામનગરના આ બાલા હનુમાન સંર્કિતન મંદિરને બબ્‍બેવાર સ્‍થાન સાંપડયું છે.

આ મંદિરની ખ્‍યાતિ દેશ - દેશાવરમાં ફેલાયેલી છે અને તેથી જ ગુજરાત સહિત દેશના અન્‍ય રાજયો તેમજ વિદેશથી પણ ભાવિકો દર્શનાર્થે આવીને ધન્‍યતા અનુભવે છે.

આ મંદિરના ષષ્ઠીપૂર્તિ પાટોત્‍સવના દિવસે તા.૧ ઓગષ્‍ટના રોજ દિવસભર વિશેષ શણગાર સાથે ઝાંખીના દર્શન થશે અને સાંજે ૭-૩૦ વાગ્‍યે મહાઆરતી થશે જેનો લાભ લેવા ભાવિક ભાઈ-બહેનોને મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ જીતુભાઈ લાલે જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે. આ ઉજવણી પ્રસંગે બાલા હનુમાન મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્‍યું છે.(૨૧.૯)

જીતુભાઈ લાલ

(1:18 PM IST)