<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ

સંચાલકે કાંટો ખોટવાય જતા ટ્રક ચાલક પાસેથી રૂા. ૫ લાખનો દંડ વસૂલવા ફરિયાદ કર્યાનો આક્ષેપઃ વે-બ્રિજમાં ત્રણ ગણા ભાવ લેવાતા હોવાના પણ સણસણતા આરોપ

મોરબી,માળીયામિંયાણા,તા. ૩૧: મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્‍ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં આવ્‍યું હતું.પણ પોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્‍યો ન હતો.

ઝાલા હરદીપસિંહ દિલીપસિંહે જણાવ્‍યુ હતું કે મારો ટ્રક વે બ્રિજ ઉપર લગાવવામાં આવ્‍યો હતો. ત્‍યારે લોડ સેલ પડી ગયા હતા. જે બદલ વે બ્રિજ સંચાલકે રૂ.૫ લાખનો દંડ વસૂલવા માટે ફરિયાદ નોંધાવી છે. વે બ્રિજમાં દરરોજ ૯૦૦ જેટલા ટ્રકોનો વજન થાય છે. વે બ્રિજના મેઇનટેનન્‍સના પૈસા ટ્રક ચાલકોએ દેવાના ન હોય. જ્‍યાં સુધી ફરિયાદ પરત નહિ ખેંચાય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

રમેશભાઈ હમીરભાઈ આહીરે જણાવ્‍યું કે વે બ્રિજ અને ખરાબ રોડના પ્રશ્‍ને હડતાલ પાડવામાં આવી છે. ગમે ત્‍યાં ટ્રકનો કાંટો કરાવીએ તો રૂ. ૧૦૦થી ૧૫૦ લેતા હોય છે પણ અહીં પોર્ટમાં રૂ. ૩૫૦થી ૪૧૫ લ્‍યે છે. આખા ભારતમાં આટલો વધુ ભાવ કયાંય નથી. એટલે અમે આ વે બ્રિજના બહિષ્‍કારનો નિર્ણય લીધો છે. અમે બાજુમાં આવેલા વે બ્રિજમાં કાંટો કરાવીશું. (તસ્‍વીર-અહેવાલઃ પ્રવિણ વ્‍યાસ-રજાક બુખારી-મોરબી, માળીયામિંયાણા)

(1:22 PM IST)