<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જુનાગઢના માળીયા હાટીનાના લાડુડી ગામની સીમમાં થયેલ કોળી શખ્‍સની હત્‍યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ

હથિયારોની ડીસ્‍કવરી ગેરકાયદે હોવાના કારણે માત્ર એફ.એસ.એલના રિપોર્ટની સજા થઇ શકે નહી

રાજકોટ, તા.૩૧: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાનાં લાડુડી ગામની સીમમાં થયેલ કોળી શખ્‍સની હત્‍યાના કેસમાં બંને કારડીયા સમાજના આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો કેશોદની સેશન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૭/૦૯/૧૯૯૬ ના રોજ મરણ જનાર રામદેભાઈ કેશવભાઈ ગોરડના પુત્ર જેસાભાઈ રામદેભાઈ દ્વારા વેરાવળ તાલુકાના માળિયા હાટિના પોલીસ સ્‍ટેશનમાં પોતાના પિતાનું ખૂન થયું હોવાની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદી જેસાભાઈએ વધુમાં જણાવેલ હતું કે અરશી કાનાએ તેના હાથમાના કુહાડીથી ફરીયાદીના પિતા રામદેભાઈને માથામાં મારેલ જેથી ફરીયાદી છોડાવા વચ્‍ચે પડતા અરશી કાનાનો દીકરા તેના હાથમાંની કોડાળી ફરીયાદીના માથામાં મારેલ તથા અરશી કાનાની સાથે આવેલ માણસ ફરીયાદીના ભાઈ ગીગાભાઈને તેના હાથમાંની કુહાડી માથામાં મારેલ જેથી ફરીયાદી તથા તેમના પિતા તથા તેમના ભાઈ લોહી લુહાણ થઈ ગયેલ હતા અને બુમ પાડવા લાગેલ જેથી ફરીયાદીના ભાઈની પત્‍ની ભાનુબેન તથા લક્ષ્મીબેન જેસીંગભાઈ તથા પાચાભાઈ ભુરાભાઈ આવી જતા તેમણે અમોને છોડાવેલ અને ત્‍યાર પછી આ લોકો હથિયારો સાથે જતા રહેલ અને પાચાભાઈ ભુરાભાઈએ ભાદાભાઈની રીક્ષા મંગાવી. ફરીયાદીને તથા ફરીયાદીના પિતા તથા તેમના ભાઈને સારવાર માટે વેરાવળ સરકારી દવાખાને લાવેલ. જ્‍યાં સારવાર દરમિયાન ફરીયાદીના પિતા રામદેભાઈ ને માથામાં અરશી કાનાએ કુહાડી મારેલ તેમની ઈજાને કારણે મરણ ગયેલ તથા ફરીયાદીના ભાઈ ગીગાભાઈને થયેલ ઈજાના કારણે તેઓ બેભાન થઈ ગયેલ હતા, જે અંગેની ફરીયાદી જેશાભાઈ રામદેભાઈએ નોંધાવેલ હતી.

ઉપરોક્‍ત ફરીયાદની તપાસ દરમ્‍યાન પોલીસે અરશીભાઈ કાનાભાઈ તથા ગોવિંદભાઈ કાનાભાઈ, બાબુભાઈ અરશીભાઈ, રામાભાઈ વિરાભાઈને પોલીસે અટક કરેલ હતા.

ફરીયાદીએ માળિયા હાટીના પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ નં. (૧) અરશી કાનાભાઈ જાતે કારડીયા, (૨) ગોવિંદભાઈ કાનાભાઈ જાતે કારડીયા, (૩) બાબુભાઈ અરશીભાઈ જાતે કારડીયા, (૪) રામાભાઈ વિરાભાઈ જાતે કારડીયા વિરૂધ્‍ધ સોપેલ ફરીયાદના આધારે માળિયા હાટીના પોલીસ સ્‍ટેશનમાં ઉપરોકત આરોપીઓ વિરૂધ્‍ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૩૪, ૧૧૪ તથા બી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતું.

આ તમામ આરોપીઓનો કેસ સેશન્‍સ કોર્ટમાં ચાલવા માટે આવતા ફરીયાદ પક્ષે કુલ ૩૭ જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા તથા કુલ ૧૮ સાહેદોને તપાસવામાં આવેલ હતા.

બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે સદર કામે મરણ જનાર, ઈજા પામનારા કે આરોપીઓના લોહીના નમુના લેવામાં આવેલ ન હોય, તેમજ મુદ્દામાલ હથીયાર તેમજ કપડામાં આવેલ લોહીના ડાઘાઓના ગ્રુપ અંગે મહત્‍વનો પુરાવો રેકર્ડ પર લાવવા ફરીયાદ પક્ષ નિષ્‍ફળ નીવડેલ છે. સાથે દલીલ કરવામાં આવી હતી કે એફ.એસ.એલ. રીપોર્ટ ફરીયાદ પક્ષને સમર્થન કરતો હોવા છતા બ્‍લડ સેમ્‍પલના અભાવે તેમજ હથિયારોની ડિસ્‍કવરી ગેરકાયદેસર હોવાના કારણે એફ.એસ.એલ. રીપોર્ટની ગુણવતા પર આધાર રાખી સજા થઈ શકે નહી જેથી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવા બચાવ પક્ષેને કોર્ટે વિનંતી કરેલ હતી.

અંતમાં કોર્ટે આરોપીઓ બાબુઅરશી અને રામાભાઈ વિરાભાઈને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ ફરમાવતા જણાવ્‍યું હતું કે સમગ્ર પુરાવો જોતાં તથા કરેલ ચર્ચા ઘ્‍યાને લેતાં, ફરીયાદ પક્ષ આરોપી નં. ૩ અને નં. ૪ વિરૂધ્‍ધ આંક ૧ ના તહોમતનામા મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૩૪, ૧૧૪ તથા બોમ્‍બે પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબનો ગુને આરોપીઓએ કરેલાનું નિઃશંકરીતે પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ છે.

બંને પક્ષોની વિગતવારની દલીલો તેમજ બંને પક્ષો દ્વારા રજુ કરવામાં આવેલ સર્વોચ્‍ચ ન્‍યાયાલય તેમજ ઉચ્‍ચ ન્‍યાયાલયના વિવિધ ચુકાદાઓને ઘ્‍યાને લઈને કેશોદના નામદાર એડી. સેશન્‍સ જજ શ્રી એમ. જી. દવેની કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ હતા.

આ કામમાં આરોપીઓ બાબુભાઈ અરશીભાઈ, રામાભાઈ વિરાભાઈ તથા આ કામમાં એબેટ કરવામાં આવેલ અરશીભાઈ કાનાભાઈ તથા ગોવિંદભાઈ કાનાભાઈ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમળતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, રાકેશ ભટ્ટુ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત, વિગેરે રોકાયા હતા.

(12:08 PM IST)