News of Wednesday, 31st July 2024
૪ પ્રસુતા મહિલાની સારવારમાં ગંભીર બેદરકારી મામલે ૨ ડોક્ટર સામે ગુનો દાખલ
બે મહિલાના મૃત્યુ થયેલ, બેની કિડની ફેઇલ થયાની ફરીયાદથી ડો. ડાયના અજુડીયા, ડો. હેમાક્ષી કોટડીયા વગેરે સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧: જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા આકાશભાઈ અરજણભાઈ મીયાત્રાનાં પત્ની હિરલબેન તેમજ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેનને પ્રકૃતિની સારવાર માટે જૂનાગઢની ખાનગી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ૨૯ મે ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.
૧૩ સપ્ટેમ્બર સુધીની સારવાર દરમિયાન હોસ્પિટલના ડો. ડાયના અજુડીયાએ બંને મહિલાનું સિઝેરિયન કર્યું હતું. સિઝેરિયન અને સારવાર દરમિયાન ગંભીર બેદરકારી રાખવાના કારણે બંને મહિલાના શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું જેના કારણે બંનેનું મૃત્યુ નીપજયું હતું. તેમજ આ તબીબે તૃપ્તિબેનના સિઝેરિયન અને સારવાર દરમિયાન પણ બેદરકારી રાખતાં તેમની બે કિડની ફેઇલ થયેલ.
જયારે હેલ્થ હોસ્પિટલના અન્ય ડો. હેમાક્ષી કોટડીયાએ મોનિકાબેન નામના દર્દીનું સિઝેરિયન કર્યું હતું. જેમાં ગંભીર બેદરકારી દાખવતા મોનિકાબેનની પણ બંને કિડની ફેઇલ થઈ ગઈ હોય અન્ય જગ્યાએ સારવાર હેઠળ છે.
આમ હેલ્થ પ્લસ હોસ્પિટલના ડો. ડાયના અજુડીયા અને ડો. હેમાક્ષી કોટડીયા તેમજ હોસ્પિટલના સંચાલકોએ સિઝેરિયનની સારવારમાં ગંભીર બેદરકારી દાખવી હોવાની ફરિયાદ આકાશભાઈ મિયાત્રાએ કરતા રાત્રે બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના બંને ડોક્ટર અને સંચાલકો વગેરે સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીઆઇ એચ. પી. ગઢવી ચલાવી રહ્યા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
