News of Friday, 2nd August 2024
પ્રાકૃતિક પધ્ધતિથી ઓછા ખર્ચે જામફળ, લીંબુ, તરબૂચની સફળ ખેતી : કચ્છના ખેડૂતે ગૌ પાલન સાથે પ્રાકૃતિક ખેતી કરી ચીંધ્યો કમાણીનો રાહ
વર્ષ ૨૦૧૮થી સરહદી અબડાસા તાલુકાના કનકપરના ખેડૂત ઇશ્વરભાઇ ભીમજી પટેલ પ્રાકૃતિક પધ્ધતીથી ખેતી કરી રહ્યા છે : પ્રાકૃતિક ખેતીથી આવકમાં વધારો થવા સાથે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું પાકની ગુણવત્તા સુધરી ક્ષાર ઘટ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : ફર્ટિલાઈઝર એટલે કે રાસાયણિક ખાતરથી ખેતી કરતા કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો એ હવે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન આપવાની જરૂરત છે. પ્રાકૃતિક ખેતીને આપણી ભારતીય પરંપરાગત ખેતી છે જેમાં ગૌ પાલન પણ થઈ શકે છે.
વર્ષ ૨૦૧૮થી સરહદી અબડાસા તાલુકાના કનકપરના ખેડૂત ઇશ્વરભાઇ ભીમજી પટેલ પ્રાકૃતિક પધ્ધતીથી ખેતી કરી રહ્યા છે. હાલ જામફળ, લીબું તથા તરબૂચની ખેતી કરતા ઇશ્વરભાઇ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ઇશ્વરભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી શરૂ કરવાથી ખૂબ જ ફાયદો થયો છે. આવકમાં વધારો થવા સાથે મારી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું છે જેથી પાકની ગુણવત્તા સુધરી છે. ક્ષાર ઘટ્યો છે તેમજ પિયતની જરૂર ઓછી થઇ છે. હાલ હું જામફળ, લીબું તથા તરબૂચની ખેતી કરું છું જેમાં રાસાયણિક ખેતીની સાપેક્ષે ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થયો છે.
જેમ કે, પહેલા જામફળની રાસાયણિક ખેતીમાં એક હેકટર દિઠ રૂ.૨૦ હજારના ખર્ચ સાથે આવક રૂ. ૧૨ હજારની હતી. જયારે પ્રાકૃતિક ખેતીમાં એક હેકટર દિઠ ખર્ચ રૂ.૫ હજાર છે જયારે આવક રૂ.૨૭૦૦૦ની થઇ રહી છે. આમ, હું મારા અનુભવના આધારે તમામ ખેડૂતોને ઝેરયુકત રાસાયણિક ખેતી છોડીને પ્રકૃતિ તથા લોકોના આરોગ્ય માટે લાભકારક પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અપીલ કરું છું.
ખર્ચ અને રોગ ઘટે છે. ઉત્પાદન સરખું મળે છે. પ્રાકૃતિક ખેતીના લીધે જમીનની ગુણવતા સુધરી છે. પાણીની ગુણવતા સુધરે છે. પાકને વધુ પિયતની જરૂર પડતી નથી. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વો નું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. પાકની ગુણવત્તા સુધરે છે.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
