<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ધ્રાંગધ્રામાં યુવક ઉપર ફાયરીંગ કરનારની શોધખોળ : કોઇ સાથે વેરઝેર નથી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: ધ્રાંગધ્રાના હરિપર રોડ ઉપર નર્મદા પાણીના એરવાલ્‍વ નજીક રહેતા શાહરૂખ ફતેમહમદભાઇ કાજેડીયા રાત્રે ગામમાંથી આંટો મારી ઘેર આવ્‍યા બાદ કુદરતી હાજતે ગયા હતા. ત્‍યાં ગયા બાદ પરત ફરતા સમયે અંધારામાં કોઇ અજાણ્‍યા શખ્‍સે પાછળથી ફાયરીંગ કરી ગંભીર ઇજા પહોચાડી હતી. ગોળી વાગતાની સાથે જ યુવક ત્‍યાં ઢળી પડયો હતો અને બેભાન થઇ ગયો હતો. બેભાન અવસ્‍થામાં યુવકને તાત્‍કાલિક તેનો ભાઇ સલમાન અને પ્રહલાદભાઇ બંને ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાની સાથે જ ધ્રાંગધ્રા સિટી પીઆઇએમ. યુ. મસી સહિતનો સ્‍ટાફ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયો હતો. ત્‍યાંથી યુવકને ગંભીર હાલતમાં તાત્‍કાલિક અમદાવાદ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. યુવક ભાનમાં આવ્‍યા બાદ પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા તેને કોઇની પણ સાથે વેરઝેર કે અદાવત નહીં હોવાનું જણાવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે કે ફાયરીંગ કોણે અને શા માટે કર્યુ હશે. હાલ ઘટનાના આરોપીની એલસીબી, એસઓજી અને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(11:21 AM IST)