News of Friday, 2nd August 2024
આટકોટમાં કાલે સમગ્ર તાલુકાનું પાટીદાર સંમેલન મળશે
થોડા વખત પહેલાં છાત્રાલયમાં થયેલા ઝઘડા અને તાજેતરમાં દુષ્કર્મની ઘટનાને લઈ વિવાદમાં આવેલ છાત્રાલયની છબી સુધારવા સંમેલનઃ સૌરાષ્ટ્રમાં આવેલ પટેલ સમાજની છાત્રાલયના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨: થોડા વખત પહેલા આટકોટની પ્રતિષ્ઠિત શ્રી ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં પૂર્વ અને વર્તમાન મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચે થયેલ ઝઘડા બાદ અને તાજેતરમાં છાત્રાલયની એક પૂર્વ છાત્રા અને છાત્રાલયમાં જ રેક્ટર તરીકે થોડો સમય રહેલ યુવતી સાથે ભાજપના બે યુવા આગેવાનો દ્વારા થયેલ દુષ્કર્મની ઘટના બાદ છાત્રાલય ભારે વિવાદમાં આવી હતી. છત્રાલયની આ છબી સુધારવા આવતીકાલે બપોરે બે વાગ્યે છાત્રાલય ખાતે તાલુકાભરના પાટીદાર સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે.
આવતીકાલે યોજાનારા આ સંમેલનમાં સૌરાષ્ટ્રમાં આવેલ જુદી જુદી પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થા અને છાત્રાલયના સંચાલકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સંમેલનના આયોજન માટે અગાઉ ડો.ભરતભાઈ બોઘરા અને બીજા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા તાલુકાભરના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ચર્ચા બાદ આવતીકાલનું સંમેલન બોલાવવાનું નક્કી થયું હતું.
સંમેલનમાં જૂથબંધીનો ભોગ બનનાર આ છાત્રાલયની છબી સુધારવા તેમજ શિક્ષણનુ સ્તર ઊંચું લાવવા તેમજ હવે પછી છાત્રાલયમાં અભ્યાસ કરતી કોઈ દીકરીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ વર્ષથી આ છાત્રાલય સંભાળતા મેનેજિંગ ટ્રસ્ટી અરજણભાઈ રામાણીનુ રાજીનામું ટ્રસ્ટી મંડળે એક મહિના પહેલા સ્વીકારી લીધું છે અને ત્યારે જ છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મૂળ આટકોટના અને હાલ સુરત રહેતા ઉદ્યોગપતિ તેમજ આટકોટની શ્રી કે.ડી.પરવાડીયા હોસ્પિટલના મુખ્ય દાતા હરેશભાઈ પરવાડિયાની નિમણૂક કરવામાં આવી છે. કાલના સંમેલનમાં હરેશભાઈ પરવાડીયા પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ,ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,રમેશભાઈ ટીલાળા, છાત્રાલયના તમામ ટ્રસ્ટીઓ,તાલુકાના આગેવાનો મનસુખભાઈ રામાણી,દિનેશભાઈ બાંભણિયા, ભરતભાઈ છાયાણી, ભીખાભાઇ રોકડ, ધનજીભાઈ ભુવા, રમેશભાઈ સાવલિયા, વિનુભાઈ ધડુક, જે.પી.વીરજા, અમૃતભાઈ કોરડીયા, મગનભાઈ ઊંજીયા, કેશુભાઈ ડોબરીયા, ગજેન્દ્રભાઈ રામાણી, કમલેશભાઈ હિરપરા, જીગ્નેશ હિરપરા, અલ્પેશ રૂપારેલીયા, ધીરુભાઈ રામાણી, મનસુખભાઈ હિરપરા, સુરેશભાઈ હિરપરા, વિપુલ પાટીદાર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પાટીદાર સમાજના સભ્યો,સરપંચો,શિક્ષણવિદો તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમ જાણવા મળે છે.
આયોજકોએ આ સંમેલનમાં જસદણ વિછીયા તાલુકાના તમામ પાટીદાર સમાજના ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
