<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જૂનાગઢનાં પૂર્વ કર્મચારીનો પુનાની એડ એજન્‍સીને ૩ લાખનો યુનો

એડ એજન્‍સીમાં કામ કરતો હોવાની ખોટી ઓળખ આપી ૧૨ સંસ્‍થા પાસેથી નાણાં મેળવી આર્થિક નુકશાન પહોંચાડયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૬: જાહેર ખબરોના બેનરો લગાવવાનું કામ કરતી મહારાષ્ટ્રના પુનાની એડ એજન્‍સીના જૂનાગઢમાં પૂર્વ કર્મચારીએ શહેરની વિવિધ સંસ્‍થાઓ પાસેથી જાહેર ખબરોના બેનરો લગાવવાની કામગીરી કરી નાણા ઉઘરાવીને એડ એજન્‍સીમાં જમા નહીં કરાવી ત્રણ લાખ રૂપિયાનું નાણાંકીય નુકશાન કર્યા હોવાની ફરિયાદ કંપનીના માર્કેટિંગ કર્મચારી યોગેશ રાજાભાઈ ચાવડાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના પુના ખાતેની ફિટ ઈન્‍ફાટેક સોલ્‍યુશન એલએલપી કંપની તેના ગુજરાત ખાતેના આણંદ વલ્લભ વિદ્યાનગરના મુખ્‍ય સેન્‍ટર ખાતેથી રાજયના વિવિધ શહેરોમાં જાહેરાતના હોર્ડિંગ લગાવવાનું કામ કરે છે.ᅠ

આ કંપની જૂનાગઢમાં પણ જાહેર સ્‍થળો પર વિવિધ પેઢીઓની જાહેરાતોના હોડિંગ્‍સ લગાવવાનું કામ કરી રહી છે. કંપનીમાં જૂનાગઢના શારદા ગેસ્‍ટ હાઉસ વાળા રાજેશ શાહ અગાઉ શહેરની વિવિધ પેઢીના સંચાલકો પાસેથી જાહેર ખબરો લઈ બેનરો લગાવવાનું કામ કરતા હતા. જે કામગીરીના બદલામાં મળતા નાણાં તેઓ કંપનીમાં સમયસર ચૂકવવાનું કરતા ન હોઈ તેમને કંપની દ્વારા છુટા કરી દેવામાં આવ્‍યા હતા.ᅠ

કંપનીએ રાજેશ શાહને છૂટો કરી દીધા પછી પણ તેઓ કંપનીની જાણ બહાર વિવિધ પેઢીના સંચાલકો પાસેથી જાહેરખબરો લઈ હોર્ડિંગ્‍સ લગાવવાની કામગીરી કરી જૂનાગઢમાં ૧૨ સંસ્‍થાનાં સંચાલકોને પોતે ફીટ ઇન્‍ફ્રાટેક સોલ્‍યુશન એલએલપી કંપનીમાં જ કામ કરતા હોવાની ખોટી ઓળખ આપી તેમની પાસેથી જાહેર ખબરોના બેનરો લગાવી રૂપિયા ઉઘરાવી લેતા હતા. જેમાંથી ૫૦ ટકા રકમ પોતે અંગત હેતુ માટે રાખી બાકીની ૫૦ ટકા રકમ પુનાની ટ્રાન્‍સફર ટેકનોલોજી કંપનીને મોકલતા હોવાનું ધ્‍યાને આવતા કંપની સંચાલકોએ આ અંગેની તપાસ કરાવતા રાજેશ શાહને વર્ષ ૨૦૨૨ થી ૨૪ સુધી હિટ ઈન્‍ફ્રાટેક સોલ્‍યુશન એલએલપી કંપનીને અંધારામાં રાખીને ત્રણ લાખ રૂપિયાની રકમ ખોટા નામે મેળવી મૂળ કંપનીમાં જમા નહીં કરાવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(10:21 AM IST)