News of Wednesday, 7th August 2024
મોરબીમાં જીગ્નેશ મેવાણીની રજુઆત બાદ તંત્ર દોડતું થયું: કામગીરી શરૂ કરવાની આપી લેખિત બાહેંધરી
રોહિદાસપરા સહિતના વિસ્તારના પ્રશ્નો હલ કરવા ચીફ ઓફિસરે ખાત્રી આપી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૮: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાએ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીને લેખિત બાહેંધરી આપતાં જણાવ્યું હતું રોહિદાસપરા તથા શાંતિવન સોસાયટી તથા નિધિપાર્ક સોસાયટી અને વીસીપરાના ગુજરાત મેરીટાઈમ બોર્ડવાળા વિસ્તારમાં ગટર ઉભરાવવાના જે પ્રશ્નો છે તે માટેની કામગીરી આવતીકાલ તારીખ ૭ ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અને નવી પાઈપલાઈન નાખવાની જરૂર હશે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. ગટરની સફાઈની કામગીરી પૂર્ણ થતાં જ પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થવાની ફરિયાદ દૂર થશે.
આ ઉપરાંત નગરદરવાજાની આસપાસ જે ખુલ્લી ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તે બે દિવસમાં હલ કરવામાં આવશે. લાતી પ્લોટ શેરી નંબર-૭માં જે ગટરના ઢાંકણા ખુલ્લા છે તેની કામગીરી બપોર બાદ શરૂ કરવામાં આવશે. રોહિદાસપરામાં નવી સીસી રોડ બાબતે કરાયેલી રજૂઆતમાં હાલ એજન્સી દ્વારા મેટલીંગ કામ પૂરું કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોન્ક્રીટ કામ ચોમાસું હોવાથી ચાલુ કર્યું નથી. ચોમાસા બાદ તુરંત કામગીરી હાથ ધરાશે. વીસીપરા તથા લાતી પ્લોટ વિસ્તારમાં કાદવ-કીચડ અને કચરા અંગે મળેલી ફરિયાદ અન્વયે જરૂરી કાર્યવાહી ત્વરીત શરૂ કરાશે. અરુણોદય નગરમાં ગત વર્ષે બનેલી ઘટના બાબતે જરૂરી તપાસ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આવાસ યોજના બાબતે થયેલી રજૂઆત મુજબ ક્વોલિટી કંટ્રોલ તથા લેબ ટેસ્ટિંગ સહિત ટેન્ડરમાં જણાવેલા સ્ટ્રક્ચર મુજબ બાંધકામ થયેલ છે તે અંગે ચકાસણી કરી સરકારમાં જાણ કરાશે. રોહિદાસપરા વિસ્તારના પ્રવેશદ્વાર સમાન મુખ્ય રોડ/રસ્તા જે ડેમેજ થયેલા છે તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવશે તેવી બાહેંધરી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
