News of Wednesday, 7th August 2024
મોરબીમાં આંગણવાડી અને આશાવર્કરોના વિવિધ પ્રશ્ને કલેકટર કચેરીએ ગરબે રમીને ઉગ્ર રજુઆત
બજેટમાં નિરાશા મળી હોવાનો આશા વર્કરોમાં સૂરઃ વિવિધ માંગણીઓ પુરી કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૭: ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા હેલ્થ વિભાગ હેઠળ સેવા બજાવતી ૪૦ આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર તથા ફેસિલિએટર બહેનોએ એકઠાં થઈને કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા માગ કરી હતી. આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ગરબે રમીને પોતાની માગ પૂરી કરવા પ્રદર્શન કર્યું હતું.
આ રજૂઆતોમાં ૨૦૧૮થી કેન્દ્ર સરકારે બજેટમાં કોઈ વધારો આપ્યો નથી તેથી ૨૦૨૪ના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે તેવી બહેનોને આશા હતી પરંતુ બજેટમાં કોઈ વધારો થયો નથી. તેથી ગુજરાત સરકાર વળતરમાં વધારે કરે તથા ફિક્સ પગાર ચુકવે તે અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત આશા વર્કર તથા ફેસિલિએટરો વર્ષ ૨૦૦૫થી સેવા બજાવતા હોય તેઓને કાયમી કરવા તથા ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ કામના કલાકો નક્કી કરવામાં આવે. આ ઉપરાંત પ્રમોશન, ડ્રેસના રૂપિયાનું ચુકવણું, પેન્શન-ગ્રેચ્યુઈટી, પીએફ, પગારી રજાની જોગવાઈ, બોનસ, અન્ય કામગીરી ન સોંપવી, ઈન્સેન્ટીવ આપવું સહિતની માગ પૂરી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.
આ અંગે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર સંગઠન ઓલ ગુજરાતના ઉપઙ્ઘમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, આશા વર્કર બહેનો અને ફેસિલિએટર બહેનોની વિવિધ માગણીઓ અંગે અમે ઘણા સમયથી આવેદનપત્ર આપીએ છીએ, રેલીઓ કાઢી, સરકારને પણ આવેદન આપ્યું, રજૂઆતો કરી અને બેઠકો કરી હોવા છતાં સરકારે આ વખતે બજેટમાં કાપ મૂકયો છે. અત્યાર સુધી બહેનોને પૂરતો પગાર, ઈન્સેટિવ કે સમયસર બિલ મળતા ન હતા. ત્યારે હવે બજેટમાં કાપ મૂકાયો છે.આશા વર્કર બહેનો અને ફેસિલિએટર બહેનોની વિવિધ માગણીઓ અંગે અમે ઘણા સમયથી આવેદનપત્ર આપીએ છીએ.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
