News of Wednesday, 7th August 2024
મોરબીના હાર્ડવેરના વેપારી પરિવારના સામૂહિક આપઘાતમાં કારણ અંગે તપાસ
આજે સવારે ત્રણેયની એકીસાથે અંતિમયાત્રા નીકળતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

તસ્વીરમાં આપઘાત કરી લેનાર વેપારી પરિવારની ફાઇલ તસ્વીર. (તસ્વીર: પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યાના બનાવમાં પોલીસે કારણ અંગે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફલેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.૫૭, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.૫૫ અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.૧૯એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી હોવાનું અને આ સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
દરમિયાન આજે સવારે આપઘાત કરનાર વેપારી પરિવારના ત્રણેયની એકીસાથે અંતિમયાત્રા નીકળતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
