<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મોરબીથી ગાંધીનગરઃ કોંગ્રેસની ૩૩૩ કિ. મી.ની ન્‍યાયયાત્રા

૧પ દિવસની યાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્‍ગજો જોડાશેઃ જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં યાત્રાનો રૂટ જાહેર :મોરબીથી પ્રસ્‍થાન થઇને ટંકારા,રતનપર,રાજકોટ,ચોટીલા, સુરેન્‍દ્રનગર સહિતના વિસ્‍તારોને આવરી લેવાશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૭: કોંગ્રેસ દ્વારા તા. ૯ને શુક્રવારથી મોરબીથી ન્‍યાય યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા ૩૩૩ કિ.મી.નું પરિભ્રમણ કરશે. ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં ન્‍યાય યાત્રાની તૈયારી સાથે રૂટ જાહેર કરવામાં આવ્‍યો છે.

તા. ૯ને શુક્રવારે સવારે મોરબીની ઝૂલતા પુલથી ન્‍યાય યાત્રાનો પ્રારંભ થશે. આ ન્‍યાયયાત્રા ૧૫ દિવસ જુદા-જુદા વિસ્‍તારોમાં ફરશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓ જોડાશે.

જુદા-જુદા ગામો અને શહેરોમાં ન્‍યાય યાત્રાનું સ્‍વાગત કરાશે. અને સમસ્‍યા અને સમાધાન માટે અલગ અલગ વ્‍યુહરચના કોંગ્રેસ હાઇકમાન્‍ડ દ્વારા ઘડવામાં આવી છે.

તા. ૯ને શુક્રવારે મોરબીમાંથી સવારે ન્‍યાયયાત્રા પ્રસ્‍થાન થઇને ટંકારા પહોંચશે. ત્‍યાં રાત્રી રોકાણ કરશે.

તા. ૧૦ના રતનપર, તા. ૧૧ના રાજકોટ, તા. ૧૨ના બેટી કુવાડવા, તા. ૧૩ના ચોટીલા, તા. ૧૪ના ડોળીયા, તા. ૧૫ના મુળી, તા. ૧૬ના સુરેન્‍દ્રનગર -વઢવાણ, તા. ૧૭ના લખતર, તા. ૧૮ના સાણંદ, તા. ૧૯ના વિરમગામ, તા. ૨૦ ના છારોડી, તા. ૨૧ના શાંતીપુર સર્કલ, તા. ૨૨ના ચાંદખેડા, તા. ૨૩ના સવારે ૧૧ વાગ્‍યે ગાંધીનગર ન્‍યાયયાત્રા પહોંચશે. જ્‍યાં સરકાર પાસે ન્‍યાય મંગાશે.

(3:57 PM IST)