તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
કાલે વિશ્વ સિંહ દિવસ : સાસણમાં ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી
સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના અંદાજે ૩૦,૦૦૦ ચો.કિ.મી.માં એશિયાટીક લાયન લેન્ડસ્કેપમાં એશિયાટિક સિંહોનો વસવાટ : સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી : બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસો : સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો : જુન ૨૦૨૦ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને ૬૭૪ થઇ

જૂનાગઢ તા.૯ : સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે, સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃત્તિ કેળવાઈ તે માટે તા.૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાઇ રહેલી ઉજવણીમાં રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
એક વખત હતો કે, ગિરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહી હતી, સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનું જોવા મળે છે. ગુજરાત રાજય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે ૬૭૪ (વર્ષ-૨૦૨૦ની ગણતરી પ્રમાણે) થઈ છે. રાજય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે.
કુદરતી રીતે જ એશિયાઇ સિંહ એ ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજે ૩૦,૦૦૦ ચો. કિ.મી.માં વિહરતા જોવા મળે છે. જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ ૧,૮૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય, પાણીયા વન્ય જીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે, તે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજય સરકારે તા.૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ગીરને વન્ય જીવ અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું.
દેશના અર્ધસૂષ્ક પશ્ચિમ ભાગમાં આવેલા ગીરનું જંગલ પાનખર જંગલોનો સૌથી મોટો વિસ્તાર છે તે ભારતના સૌથી જૂના સંરક્ષિત વિસ્તારોમાંનો એક છે. આ જંગલ વિસ્તાર સિંહોના નિવાસ્થાન માટે જાણીતું તો છે જ સાથે જ ભારતીય ચિત્તા અને મગરોની પણ મોટી વસ્તી ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે. હિરણ, સરસ્વતી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ વગેરે નદીઓ આ વિસ્તારની પર્યાવરણીય વિવિધતામાં મોટો ફાળો આપે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૩માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૬થી કરવામાં આવી રહી છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ - એશિયાઇ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે. (રોહિત ઉસદડ - માહિતી ખાતુ - જૂનાગઢ)
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સમગ્ર વિશ્વમાં ગુજરાત એશિયાટિક સિંહ માટે સુખ્યાત છે .સાસણગીર સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે તેની પાછળનું તેનું કારણ સિંહ છે. તેના સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે તે તેના પાયામાં છે. સાસણ વાઈલ્ડ' લાઈફ ડીવીઝનના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણી આવતીકાલેᅠ થશે.શિક્ષણ વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે અને રાજય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી આ ઉત્સવ જન જન સુધી પહોંચ્યો છે. સિહનો લગાવ અને પ્રેમ પણ આમ પ્રજામાં વધ્યો છે.ᅠ
ભાવનગર જિલ્લાના સિંહ દિવસ સંયોજક તખુભાઈ સાંડસુરે જણાવ્યું કેᅠ આવતીકાલે ઉજવણી થનાર સિંહ દિવસ તરીકે ૨૦૧૬ થી ગુજરાતમાં ઉજવાઈ રહ્યોં છે.ચાલુ વર્ષે આ નવમો સિંહ દિવસ છે.ᅠ ઉતરોતર તેની ઉજવણીમાં વધુને વધુ શિક્ષણ સંસ્થાઓ, લોકો જોડાઈ રહ્યાં છે.સિંહના મોહરા પહેરીને નીકળતાં બાળકોને પણ એક અનન્ય જુસ્સો તેના ચહેરા ઉપર છવાઈ જાય છે.
સાસણ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના નેતૃત્વમાં સમગ્ર સૌરાષ્ટ્રના ભૂભાગમાં થઇ રહેલી આ ઉજવણી વન્ય પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓ માટે મહત્વની અને ઉત્સાહ પ્રેરક હોય છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
